દક્ષિણ આફ્રિકા,શનિવાર
હવે દક્ષિણ આફ્રિકામાં જોવા મળતા કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને વધુ એક ભયાનક વાત સામે આવી છે.દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરનું કહેવું છે કે આ વખતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પણ ચેપ ઝડપથી વધી રહ્યો છે. જો કે તમામ બાળકો ઓમિક્રોનથી સંક્રમિત નથી, બાળકોમાં ચેપના વધારાએ ચોક્કસપણે ચિંતા વધારી છે.
ઓમિક્રોન વેરિઅન્ટ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે શુક્રવારે દક્ષિણ આફ્રિકામાં 16,055 નવા કેસ નોંધાયા છે. અને 25 દર્દીઓના મોત થયા છે. જ્યારે નવેમ્બરના બીજા સપ્તાહમાં દરરોજ માત્ર 200 કેસ નોંધાયા હતા. જો કે, વધતા સંક્રમણ વચ્ચે વૈજ્ઞાનિકોએ નાના બાળકો અંગે ચિંતા વ્યક્ત કરી છે. દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ (NICD)ના ડૉ. વસિલા જસાટે કહ્યું, ‘બાળકોને કોઈપણ વાયરસથી ચેપ લાગવાનું જોખમ ઓછું હોય છે. અગાઉના રોગચાળાઓમાં પણ આવું જ જોવા મળ્યું છે.
‘આ વખતે અલગ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે’
તેમણે કહ્યું, ‘અપેક્ષા મુજબ, બાળકોમાં ચેપ હજુ પણ ઓછો છે. પરંતુ તે 5 વર્ષથી નાના બાળકોમાં વધુ ઝડપથી વધી રહ્યો છે. 60 વર્ષથી ઉપરના વૃદ્ધો આ વાયરસથી સૌથી વધુ સંક્રમિત છે અને 5 વર્ષથી નાના બાળકોની સંખ્યા બીજા નંબરે છે. તેણે એમ પણ કહ્યું કે આ વખતે અમને કેટલાક અલગ ટ્રેન્ડ પણ જોવા મળી રહ્યા છે. NICD સાથે સંકળાયેલા ડો. મિશેલ ગ્રુમે પણ આ જ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે નાના બાળકોમાં ચેપ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો. તેના પર સંશોધન કરવામાં આવશે. આ અંગે કંઈપણ કહેવું વહેલું છે, જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે બાળકો માટે બેડ અને સ્ટાફ વધારવા પર ધ્યાન આપવાની જરૂર છે.

