ગાંધીનગર, ગુરૂવાર
ગાંધીનગરમાં આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં બે દિવસીય ‘હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ-2021’ અંગેની ત્રીજી આંતરરાષ્ટ્રીય સમિટનું ઉદઘાાટન ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ (નિવૃત્ત) રવિકુમાર ત્રિપાઠી દ્વારા 1લી ડિસેમ્બર, 2021ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. જે. એમ. વ્યાસ, કુલપતિ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) અને જેન મિસ્કોક, AHoRD, ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC)-નવી દિલ્હીએ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ બે દિવસીય સમિટનું આયોજન NFSU દ્વારા ICRC અને ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ (ICHF)ના સહયોગથી કરાયું હતું.
આ સમારોહના મુખ્ય અતિથિ, ન્યાયમૂર્તિ (નિવૃત્ત) રવિકુમાર ત્રિપાઠી, અધ્યક્ષ, ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે મહામારી અંગે સાવચેતીના પગલાં ભરવા ઉપર ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે, ‘સૌએ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કારણ કે, હજી મહામારી સમાપ્ત થઈ નથી. મહામારીને પહોંચી વળવા માટે આપણે આગોતરું આયોજન કરવું પડશે અને જરૂર પડે ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવા પડશે. સમગ્ર સમાજે તબીબી જગત સાથે સમન્વય કરીને આ મહામારીને પહોંચી વળવા માટે યોગદાન આપવું પડશે. સત્તાવાળાઓ, દાતાઓ અને અન્ય સંસ્થાઓએ પણ મહામારીથી બચવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ. આ પ્રકારની સમિટ મહામારીથી બચાવ અંગેની ગાઈડલાઈન્સ આપીને માનવસેવાનું કાર્ય કરે છે.’
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ ડૉ. જે. એમ. વ્યાસે મુખ્ય વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ‘આ સમિટ જાગરૂકતા પેદા કરી રહી છે અને લોકોને મહામારી દરમિયાન યોગ્ય વ્યવસ્થાપન વિશે ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપી રહી છે. આફતો પછી તે કુદરતી હોય કે માનવસર્જિત, હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ માનવની મદદે આવે છે. આપત્તિઓ દરમિયાન મૃતદેહોના અંતિમસંસ્કારનું ગૌરવપૂર્ણ સંચાલન એક અતિ મહત્ત્વનો હિસ્સો છે. આ માટે દુનિયાએ ‘Dignity to Dead’ અર્થાત્ મૃત્યુના મલાજો જાળવવાનો માનવતાનો ગુણ અપનાવવો જોઈએ. આ નવા કોન્સેપ્ટ-નવા સિદ્ધાંતનું પાલન સૌએ કરવું જોઈએ. આ પ્રક્રિયા માટે યોગ્ય સંચાલનની જરૂર છે. મૃતદેહને કાટમાળમાંથી બહાર કાઢવાથી માંડીને અંતિમ સંસ્કાર થાય ત્યાં સુધી, આપણે મૃતદેહને આદર અને ગૌરવ આપવાની જરૂર છે. આ જ સંદર્ભમાં NFSUએ કોવિડ-19નો ભોગ બનેલા મૃતદેહોના નિકાલ માટે જીનીવાના ICRC સેન્ટર સાથે સંયુક્ત રીતે માર્ગદર્શિકા-SOPs પણ તૈયાર કરી છે.’
ડૉ. જે. એમ. વ્યાસે ઉમેર્યું હતું કે, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ (ICHF) જૂન, 2018માં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આ સેન્ટર દ્વારા કોન્ફરન્સ, ટ્રેનિંગ પ્રોગ્રામ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. સામૂહિક આપત્તિઓ દરમિયાન મૃતદેહોને સન્માન આપવા માટે બહુહેતુક અભિગમની જરૂર છે. આ માટે જનજાગૃતિ, શિક્ષણ, સંશોધન, કન્સલ્ટન્સી ઉપરાંત, તબીબી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, સશસ્ત્ર દળો, આપત્તિ વ્યવસ્થાપન અધિકારીઓ, ફોરેન્સિક વૈજ્ઞાનિકો અને સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓને તાલીમ પણ આપવી જોઈએ. આ સેન્ટર દ્વારા હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ વિષયમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પ્રોગ્રામ પણ શરૂ કરાયો છે.’
આ સમિટની થીમ ‘પોસ્ટ-પેન્ડેમિક ટ્રાન્સફોર્મેશન ઇન ઇમરજન્સી પ્રિપેર્ડનેસ 2021’ છે. આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય સમિટમાં માલદીવ, ભૂટાન, નેપાળ અને ભારત સહિતના દેશોમાંથી 40 પ્રતિનિધિઓ જોડાયા છે. પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે, કેમ્પસ ડાયરેક્ટર, NFSU એ ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેનારા તમામ મહાનુભાવો, અધ્યાપકો, વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. આ પ્રસંગે ઉડો ક્રેનઝર, રીજનલ ફોરેન્સિક મેનેજર, ICRC, બેંગકોક વર્ચ્યુઅલી જોડાયા હતા. જ્યારે ડૉ. મેલેહત એલિફ ગુન્સ એસ્કીકોય, ICRC-ICHF હેડ, ગાંધીનગર; સી. ડી. જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર, NFSU; ડો. જી. રાજેશ બાબુ, એસોસિયેટ પ્રોફેસર અને હેડ, ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ (ICHF) અને NFSUના ડીન, એસોસિએટ ડિન્સ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

