ગાંધીનગર, બુધવાર
ગુજરાતમાં પ્રજાના ટેક્સના પૈસે તાગડધિન્ના કરતા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો ભલે ગૃહમાં એકબીજા તરફ ઘૂરકિયા કરતા હોય અને શોરબકોર કરતા હોય પણ જ્યારે વાત પોતાના લાભની આવે ત્યારે આ ધારાસભ્યો કૂલડીમાં ગોળ ભાગવાની એક પણ તક ચૂકતા નથી. ગુજરાતના 182ધારાસભ્યો પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાય છે અને પણ તેઓ જે સવલતો ભોગવી રહ્યા છે તે જાેઈને સામાન્ય માણસને આંખે અંધારા આવી જાય તેવી છે. તાજેતરમાં જ આ ધારાસભ્યોને મોંઘવારી નડી હતી અને પગાર અને ભથ્થામાં વધારો કરાયો હતો. હવે આ ધારાસભ્યો માટે ગાંધીનગરમાં રૂપિયા 140કરોડના ખર્ચે 216 લકઝુરિયસ ફ્લેટ બનાવાવમાં આવનાર છે. જેમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ધારાસભ્યો જે ક્વાર્ટસમાં રહે છે તે જૂના થઈ ગયા છે તેવી તેઓ ફરિયાદ કરતા હતા અને તેમના માટે સરકારે નવું આયોજન કર્યું છે.
રાજકારણમાં આવ્યા પછી ભલભલા માણસના બેન્ક બેલેન્સ તગડા થઈ જતા હોય છે, ચૂંટણી પહેલાં સ્કૂટર ઉપર ફરનારો જ્યારે એકવાર ધારાસભ્ય થઈ જાય છે એટલે રાતોરાત તે વૈભવી જીવન જીવવા લાગે છે. ભાજપ હોય કે કોંગ્રેસ કે પછી અન્ય કોઈ પાર્ટીનો ઉમેદવાર, બધાને જ્યારે સરકારી લાભ લેવાની વાત આવે ત્યારે તેઓ બધા એક થઈ જાય છે. વિધાનસભામાં શોરબકોર કરતા આ ધારાસભ્યો જ્યારે પગાર વધારાની વાત આવે ત્યારે ડાહ્યાડમરા થઈને એક થઈ જાય છે અને કોઈ વિરોધ કરતા નથી. હવે ધારાસભ્યો માટે ગાંધીનગરમાં સેક્ટર-17માં 9 માળના 12 બ્લોક બાંધીને ૨૧૬ ફ્લેટ બાંધવામાં આવનાર છે અને જેનું ભૂમિપૂજન નજીકના દિવસોમાં થઈ શકે છે. ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સરકારી લાભ લેવામાં દલા તરવાડીની નીત અપનાવી રહ્યા છે, રિંગણા લઉં બે-ચાર અને લોને ભાઈ દસ બાર જેવી નીતિ અપનાવી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસા તાગડધિન્ના કરવા ઉપરાંત અનેક સરકારી લાભ લેવામાં પણ આ ધારાસભ્યો પાછા પડતા નથી. અગાઉ તેમના પગાર અને ભથ્થામાં પણ તોતિંગ વધારો કરાયો હતો અને હવે વૈભવી ફ્લેટની લ્હાણી કરવામાં આવનાર છે. માત્ર સત્તા પક્ષના જ નહી પણ વિપક્ષી ધારાસભ્યોને પણ બખ્ખાં થઈ રહ્યા છે અને એકવાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ જાય છે એટલે તેઓ પોતાની દસ પેઢીનો ઉદ્ધર કરતા જાય છે. પ્રજા ભલે મોંઘવારીના મારમાં પિસાતી હોય પણ આ ધારાસભ્યોને કોઈ જ મોંઘવારી નડતી નથી અને તેમના બેન્ક બેલેન્સ તગડા થઈ રહ્યા છે.

