નવી દિલ્હી,મંગળવાર
દિલ્હીના આઉટર નોર્થ જિલ્લામાં એક ઘરની અંદરથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આઉટર નોર્થ જિલ્લાના સિરસપુર ગામમાં એક ઘરમાંથી પતિ-પત્ની અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં આત્મહત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.હાલ પોલીસે ચારેય મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
આજે સવારે એક ઘરની અંદરથી ચાર મૃતદેહો મળી આવ્યા હતા. આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 35 વર્ષીય અમિત પંખાથી લટકતો હતો.. જ્યારે તેની 27 વર્ષની પત્ની નીતિ, 6 વર્ષની પુત્રી વંશિકા અને 2 વર્ષનો પુત્ર કાર્તિકનો મૃતદેહ પલંગ પર પડ્યો હતો. કોઈના શરીર પર કોઈપણ પ્રકારના નિશાન નથી. પોલીસ ઘટનાસ્થળેથી તમામ પુરાવા એકત્ર કરી રહી છે. ફોરેન્સિક ટીમ પણ સ્થળ પર છે. પડોશીઓના જણાવ્યા અનુસાર, આ પરિવાર લાંબા સમયથી આઉટર નોર્થ જિલ્લાના સિરસપુર ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પતિ અમિત નજીવા કામ કરીને પરિવારનું ભરણપોષણ કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. હાલ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ કેસમાં તપાસ ચાલુ હોવાનું જણાવી રહ્યા છે. પત્ની અને બંને બાળકોનું મોત કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. શું અમિતે ત્રણેય સાથે ઝેર ખાઈને આત્મહત્યા કરી હતી? તેવા પ્રશ્નાર્થ ઊભા થયા છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ તપાસ હાથ ધરી છે.

