મુંબઈ, સોમવાર
ગુજરાતની ભાવિના પટેલે ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં ઈતિહાસ રચ્યો હતો. પેરાલિમ્પિકમાં ભાવિના પટેલ સિલ્વર મેડલ જીતીને ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. પરંતુ ભાવિના પટેલ સાથે મુંબઈ એરપોર્ટ પર ગેરવર્તણૂક કરવામા આવી હતી.
ભાવિના પટેલે આ મામલે ટ્વિટ કરી હતી કે,‘શું ઈન્ડિગો એરલાઈન્સ વ્હિલચેર પર જતા ખેલાડીઓ સાથે આવો વ્યવહાર કરે છે. મુંબઈ એરપોર્ટ પર તમારા સ્ટાફ દ્વારા ગેરવર્તણૂક કરવામા આવી હતી.’ભાવિના પટેલના પતિ નિકુલ પટેલે જણાવ્યું કે,‘અમે જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ઈન્ડિગોના સ્ટાફે અમને વ્હિલચેર સાથે તમે આ ફ્લાઈટમાં નહીં જઈ શકો અને તમારે બીજી ફ્લાઈટમાં જવું પડશે તેમ જણાવ્યું હતું. આ અંગે તેઓ કોઈ યોગ્ય કારણ જણાવી શક્યા નહોતા. અમે અડધો કલાકથી વધુ એરલાઈન્સ કંપનીના સ્ટાફ સાથે આ મુદ્દે દલીલો કરી હતી.’ ભાવિના પટેલે આ ઘટના મામલે ટ્વિટ કર્યા બાદ એરલાઈન્સ કંપનીના મેનેજર દોડતા થયા હતા. જે પછી ભાવિના પટેલને ફ્લાઈટમાં એન્ટ્રી સહિતની વ્યવસ્થા કરી આપવામા આવી હતી.

