નવી દિલ્હી, સોમવાર
કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની દહેશતથી દુનિયાભરના શેરબજારો ગગડયા છે. વાઈરસના આ નવા વેરિએટે માત્ર બજારને જ બીમાર નથી કર્યુ, પરંતુ દુનિયાના ટોચના 10 ધનિકોની મિલ્કતોમાં પણ લગભગ 38 અબજ ડોલરનું ગાબડું પાડયું છે.
બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સના તાજેતરના આંકડા પ્રમાણે, દુનિયાના સૌથી ધનિકોમાં સામેલ એલન મસ્ક, જેફ બેજોસ, બર્નાડ આર્નાલ્ટ, ઝુકરબર્ગ, બિલગેટ્સ સહીતના તમામ ટોચના 10 અમીરોની નેટવર્થમાં 38 અબજ ડોલર એટલે કે 28,44,58,50,00,000 રૂપિયાનું ગાબડું પડયું છે.
દક્ષિણ આફ્રિકા, ચીન,બોત્સવાના, યુકે, બ્રાઝિલ, ઈઝરાયલ, બાંગ્લાદેશ, મોરિશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, સિંગાપુર અને હોંગકોંગ સહીત યુરોપના દેશોમાં વાઈરસના પ્રભાવને કારણે દુનિયા એલર્ટ મોડમાં છે. ગત સપ્તાહે એલન મસ્કને 8.38 અબજ ડોલરનું નુકસાન થયું. જેફ બેજોસને 3.90 અબજ ડોલર, બર્નાર્ડ આર્નાલ્ટને 8.26 અબજ ડોલર અને બિલ ગેટ્સને 2.68 અબજ ડોલરનું નુકસાન થયું છે.
લેરીપેજની મિલ્કતમાં જ્યાં 3.14 અબજ ડોલરની તો માર્ક ઝુકરબર્ગની મિલ્કતમાં 2.93 અબજ ડોલરનું ગાબડું પડયું છે. સર્ગી બ્રિન, સ્ટીવ વોલ્મર, લેરી એલિશન અને વોરેન બફેટને પણ એકથી 3 અબજ ડોલર સુધીનું નુકસાન થયું છે. જો ભારતીય અબજોપતિઓની વાત કરીએ તો મુકેશ અંબાણીને 3.68 અબજ ડોલરનો ફટકો પહોંચ્યો છે. સૌથી વધુ નુકસાન ગૌતમ અદાણીને થયું છે અને તેમને 12.4 અબજ ડોલરનો આંચકો લાગ્યો છે. સાયરસ પૂનાવાલા સિવાયના ભારતના તમામ ટોચના 10 અબજોપતિઓની મિલ્કતોમાં આ એમિક્રોને ગાબડું પાડયું છે.

