ગાંધીનગર, સોમવાર
ખાખી વર્દીમાં આવ્યા પછી કેટલાક પોલીસ કર્મચારીઓ એવું માનતા હોય છે કે, કાયદો તેમના બાપનો બગીચો છે અને તેમને કંઈ થવાનું નથી. ખાખી વર્દીના રૂઆબમાં તેઓ મનફાવે તેમ મારફાટ કરી શકે છે અને મનફાવે તેવું વર્તન કરી શકે છે. જાે કે, આવા ઘમંડી પોલીસ કર્મચારીઓ એ ભૂલે કે શેરના માથે સવાશેર હોય જ છે. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. તમે પોલીસ કર્મી થઈ ગયા એટલે શું સામાન્ય માણસને વગર વાંકે મારી શકો કે મનફાવે તેવું વર્તન કરી શકો એ કયા ઘરનો ન્યાય છે. અમદાવાદના ચાંદખેડામાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને જેમાં છ પોલીસ કર્મચારીઓ વૃદ્વદંપતીને ઢસડીને માર મારી રહ્યા છે. વૃદ્વ દંપતીએ ફરિયાદ કરી તો તેમની ફરિયાદ પણ લેવાઈ નહોતી અને આખરે દંપતીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટની ફરિયાદ બાદ આ છ પોલીસ કર્મચારીઓ ઉપર કાયદાનો કોરડો વિંઝાયો છે અને તેમને તાકીદની અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ સાથે પીઆઈ સામે પણ ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
ચાંદખેડામાં એક પીઆઈ વી.જે.રાઠોડ રહેતા અને વૃદ્વ દંપતીએ તેમણે મકાન ખાલી કરવા માટે કહ્યું હતું. જે મામલે વૃદ્વ દંપતીને પીઆઈ જાેડે તકરાર થઈ હતી. જેથી પીઆઈએ પોતાના હોદ્દાનો દુરૂપયોગ કર્યો હતો અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.વી.પટેલે પણ પીઆઈને સાથ આપ્યો હતો અને વૃદ્વ દંપતીને માર મારવા માટે છ પોલીસ કર્મીઓ મોકલ્યા હતા. બહાદુર પીઆઈના છ પોલીસકર્મીઓ ચાંદખેડા વૃદ્વ દંપતીના ઘેર આવ્યા હતા અને દંપતીને બેરહેમથી ઢસડીને બહાર કાઢ્યું હતું અને માર પણ માર્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને દંપતી પોલીસ સ્ટેશન ગયું હતું તેમ છતાં તેમની ફરિયાદ લેવામાં આવી નહોતી.
આખરે દંપતીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે આ મામલામાં તાકીદની અસરથી છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો. માત્ર એટલું જ નહી પણ પીઆઈ સામે પણ ખાતાકીય તપાસના આદેશ આપ્યા હતા. કોર્ટ કાર્યવાહીના પગલે પોતાની જાતને ઉપર માનતા અને કાયદાને હાથમાં લેનારા પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે. એક તરફ શહેર પોલીસ સિનિયર સિટિઝનોની રક્ષા કરવાનું કહી રહી છે ત્યારે બીજી તરફ કેટલાક ઘમંડી પોલીસ અધિકારીઓ પોતાની ઔકાત બતાવી રહ્યા છે. કોર્ટે એક ઝાટકે છ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતાં પીઆઈના એક આદેશ પર વૃદ્વ દંપતી ઉપર અત્યાચાર કરનારા આ તમામ પોલીસ કર્મચારીઓમાં સોંપો પડી ગયો છે. કોર્ટે સમાજમાં દાખલો બેસાડતી સજા કરી છે અને આવી રીતે પોલીસ કર્મચારીઓ નિઃસહાય વૃદ્વ દંપતી સાથે અત્યાચાર કરે તે કોઈ પણ ભોગ ચલાવી લેવાશે નહી તેવો સંદેશ પણ આપ્યો છે.

