HomeGujaratNorth Gujaratશું ભાજપને નવાજૂની થવાનો ડર ? : એટલે દહેગામ ભાજપ શહેર-તાલુકા યુવા...

શું ભાજપને નવાજૂની થવાનો ડર ? : એટલે દહેગામ ભાજપ શહેર-તાલુકા યુવા મોરચાના નામ જાહેર કરાતાં નથી ?

દહેગામ,રવિવાર

   શિસ્તબદ્વ કહેવાતા ભાજપમાં આંતરકલેહ ચરમસીમાએ પહોંચ્યો છે અને ક્યાંક એ બહાર આવે છે તો ક્યાંક એ બહાર આવતો નથી. ગાંધીનગર જિલ્લામાં યુવા મોરચાના નામ જાહેર કરવામાં પણ જિલ્લા પ્રમુખ અંધારામાં તીર મારી રહ્યા છે અને અનેક જગ્યાએ વ્હાલા-દવલાની નીતિ અપનાવી રહ્યા છે. પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે નામ જાહેર કરાતા નથી અને કૂલડીમાં ગોળ ભાગી રહ્યા હોય તેવા આક્ષેપો કાર્યકરો કરી રહ્યા છે. દહેગામ તાલુકા અને શહેર યુવા મોરચાના નામ જાહેર કરવામાં ભાજપ ઊંધા માથે પટકાયો છે. વારંવાર નામનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે પણ અંતે એ નામ કચરાપેટીના ડબ્બામાં ફેંકાઈ જાય છે જેની સામે કાર્યકર્તાઓની નારાજગી વધી રહી છે. ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ પાસે નિર્ણય શક્તિનો અભાવ હોવાનું કાર્યકરો જણાવી રહ્યા છે. યુવા મોરચાના નામને લઈ હાલ દહેગામ તાલુકામાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે. નામ જાહેર થયા બાદ મોટાપાયે અસંતોષની આગ ફાટી નીકળશે તેવા ડરથી હજુ સુધી પણ યુવા મોરચાના નામ જાહેર કરવામાં આવતા નથી. 

   ભાજપના નેતાઓ વારંવાર કહે છે કે, તેમની પાર્ટી એક શિસ્તબદ્વ પાર્ટી છે અને કેડર બેઝને વળેલી છે. જાે કે, આ કેડર બેઝનો ત્યારે છેદ ઉડી જાય છે કે, જ્યારે યુવા મોરચાના નિમણૂકોમાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. પાર્ટીની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે, જેની પાસે હોદ્દો હોય તેણે કોઈ હોદ્દો અપાતો નથી પણ આ ગાઈડલાઈનનું ઉલાળિયું કરવામાં આવી રહ્યું છે. દહેગામ તાલુકા અને શહેર યુવા મોરચાના નામ જાહેર કરવામાં ભાજપ વારંવાર પીછેહઠ કરી રહ્યો છે. યુવા મોરચાના હોદ્દેદારોની સમય મર્યાદા ત્રણ વર્ષની હોય છે એ ત્રણ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે છતાં પણ નવા નામની જાહેરાત કરાઈ નથી. કાર્યકરોની ક્રૂર મશ્કરી કરવા માટે વારંવાર લિસ્ટ બનાવાય છે અને પછી એ લિસ્ટને માળિયા ઉપર ચઢાવી દેવામાં આવે છે. યુવા મોરચાના નામ જાહેર કરવામાં કેમ આવતા નથી તે મુદ્દો દહેગામ ભાજપમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. કાર્યકરો કહી રહ્યા છે કે, પાર્ટીને ડર લાગી રહ્યો છે કે ક્યાંક નામ જાહેર થયા બાદ બગાવતી સૂર ઉઠ્યા કફોડી હાલત થઈ શકે છે અને નારાજગીના સૂરના પડઘા ગાંધીનગર સુધી પણ પડી શકે છે. યુવા મોરચાના નામ જાહેર કરવામાં પાછળથી કંઈક રંધાતું હોય તેવો અણસાર પણ કાર્યકરોને આવી રહ્યો છે. વર્ષોથી પાર્ટીમાં દિવસ રાત એક કરીને લોહી રેડીને કામ કરતા પાયાના કાર્યકરો હાલ ધૂંઆપૂંઆ થયેલા જાેવા મળી રહ્યા છે. આખરે એવું તો કઈ મજબૂરી છે કે, વારંવાર નામનું લિસ્ટ બનાવાયા પછી નામ જાહેર કરાતા નથી તે પ્રશ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

જિલ્લા પ્રમુખ શો-પીસ
   ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ અનિલ પટેલ માત્રને માત્ર શો-પીસ બનીને રહી ગયા હોય તેવું કાર્યકરો જણાવી રહ્યા છે. સંકલન અને નિર્ણય શક્તિના અભાવે યુવા મોરચાના નામ જાહેર કરી શક્તા નથી. પોતાની આવડત કે દીર્ઘદ્રષ્ટિ વાપર્યા વિના જ જિલ્લા પ્રમુખ અન્ય લોકોને પૂછી પૂછીને કામ કરી રહ્યા છે અને તેના કારણે યુવા મોરચાના નામ ટલ્લે ચડ્યા છે. કાર્યકરો પણ જિલ્લા પ્રમુખની આવી કાર્યશૈલીથી તંગ આવી ચૂક્યા છે. દહેગામ શહેર અને તાલુકાના યુવા મોરચાના પ્રમુખના નામ જાહેર કરવામાં પ્રમુખ કેમ સમય લઈ રહ્યા છે તે ભાજપમાં સૌથી વધારે ચર્ચાતો પ્રશ્ન છે. 

કાર્યકરો ખફા, મામલો પેચીદો બન્યો 
   દહેગામ શહેર અને તાલુકા યુવા મોરચાના નામ ઘોંચમાં પડ્યા છે અને જેના કારણે કાર્યકરો ખફા થયા છે. સમગ્ર મામલો પેચીદો બન્યો છે અને આગામી દિવસોમાં આ મામલે નવાજૂનીના એંધાણ થાય તો નવાઈ જેવું લાગશે નહી. ક્યાંક ભાજપના નેતાઓની દાનત ખારા ટોપરા જેવી હોય તેવું પણ કાર્યકરોને લાગી રહ્યું છે અને યુવા મોરચા ઉપર પોતાના મામકાઓના નામ જાહેર કરવા ઈચ્છી રહ્યા છે. જાે આમ થશે તો આગામી દિવસોમાં દહેગામ શહેર અને તાલુકામાં ભાજપની હાલત કફોડી બનશે તેમાં બેમત નથી. ભાજપના નેતાઓ હાલ આ બંને હોદ્દા ઉપર નામ ફાઈનલ કરતા નથી કેમ કે, તેમણે ડર છે કે નામ જાહેર થયા પછી નારાજગી બહાર આવી શકે છે તેવી પૂરેપૂરી સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW