રાયપુર, શનિવાર
અદાણી પર છત્તીસગઢની કોંગ્રેસની સરકાર મહેરબાન દેખાય રહી છે. કોંગ્રેસની સરકારે ભારતીય વન્યજીવ સંસ્થાનની ચેતવણી છતાં માઈનિંગની મંજૂરી આપી છે. જ્યારે રિપોર્ટમાં છત્તીસગઢના વન્ય વિસ્તારને – નો ગો એરિયા ઘોષિત કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ઈન્ડિયન એક્સપ્રેસે પોતાના અહેવાલમાં રેકોર્ડની સમીક્ષાના આધારે જણાવ્યું છે કે ભારતીય વન્યજીવ સંસ્થાએ પોતાની જૈવ વિવિધતાનો રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં તેમણે ચેતવણી આપી હતી કે હસદેવ અરણ્ય કોલસા ક્ષેત્રને નો ગો એરિયા જાહેર કરવું જોઈએ. પરંતુ તેમ છતાં રાજ્યની કોંગ્રેસ સરકારે આ ક્ષેત્રમાં પીઈકેબી કોલ બ્લોકમાં માઈનિંગના બીજા તબક્કાને મંજૂરી આપી છે. પીઈકેબી એટલે કે પરસા પૂર્વ અને કેટ બેસન કોલ બ્લોકની માલિકી રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પાદન નિગમ લિમિટેડ પાસે છે અને તેને અદાણી એન્ટરપ્રાઈસિઝ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. અદાણી એન્ટરપ્રાઈસિઝ જ તેનું સત્તાવાર માઈનિંગ ડેવલોપર અને ઓપરેટર છે.
28 ઓક્ટોબરે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની વન સલાહકાર સમિતિની થયેલી બેઠકમાં રાજ્ય સરકારે સમિતિની સામે આની તાત્કાલિક મંજૂરી આપવાનો પણ અનુરોધ કર્યો હતો. એફએસી 1136 હેક્ટરમાં ફેલાયેલા પીઈકેબી કોલ બ્લોકના બીજા તબક્કા માટે વન ભૂમિના ડાયવર્ઝન પર ચર્ચા થઈ રહી હતી. બેઠકમાં રાજ્ય સરકારે કહ્યું છે કે પીઈકેબી પ્રસ્તાવના કાયદા પ્રમાણે માની શકાય છે, કારણ કે ભારતીય વાનિકી અનુસંધાન પરિષદ દ્વારા પ્રસ્તુત જૈવ વિવિધતા આકલન રિપોર્ટમાં જૈવ વિવિધતાથી સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. રેકોર્ડ પ્રમાણે, ભારતીય વાનિકી અનુસંધાન પરિષદે હસદેવ અરણ્ય કોલસા ક્ષેત્રના ચાર કોલ બ્લોકમાં માઈનિંગ માટે લીલી ઝંડી દેખાડી છે. આઈસીએફઆરઈએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે તારા, પરસા, પીઈકેબી અને કેટે એક્સટેન્શન જે પહેલેથી ખુલ્લા છે અથવા કાયદાકીય મંજૂરી સ્વીકૃત થવાના આખરી તબક્કામાં છે. માટે અહીં માઈનિંગ કરવાને લઈને વિચારણા કરી શકાય છે. જો કે એફએસીએ આખરે આ મુદ્દા પર નિર્ણય ટાળ્યો છે.
પરંતુ બેઠકમાં મિનિટ્સથી એ પણ ઉજાગર થાય છે કે આઈસીએફઆરઈ અને રાજ્યે ડબ્લ્યૂઆઈઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા ઘણાં વાંધાઓની અવગણના કરી છે. જેને આઈસીએફઆરઆઈના રિપોર્ટના બીજા ખંડ તરીકે સામેલ કરવામાં આવ્યા હતા. ડબ્લ્યૂઆઈઆઈએ કહ્યું છે કે કોલસાની ખાણો અને માળખાગત ઢાંચાના વિકાસથી અહીંના વન્યજીવોને નુકસાન પહોંચશે. હાથી જેવા મોટા પશુઓ પર આનો વધુ પ્રભાવ પડવાની શક્યતા છે. તેની સાથે ડબ્લ્યૂઆઈઆઈએ એમ પણ કહ્યું છે કે પહેલેથી જ રાજ્યમાં ઘણાં સ્થાનો પર હાથીઓ અને લોકોની વચ્ચે સંઘર્ષ જોવા મળ્યો છે અને આગામી સમયમાં આ સંઘર્ષ ઘણો મોટો થવાની શક્યતા છે.

