આજે એટલે કે 26 નવેમ્બરના રોજ સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ ધ ફાઇનલ ટ્રૂથ’ થિયેટરમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સલમાનનો જીજાજી આયુષ શર્મા છે. આયુષ શર્મા સાથે એક્ટ્રેસ મહિમા મકવાણા છે. મહિમાએ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. 22 વર્ષીય મહિમા ગુજરાતી છે અને તે ઘણાં જ સામાન્ય પરિવારમાંથી આવે છે.
મૂળ ગુજરાતી મહિમા મકવાણાનો જન્મ ઓગસ્ટ, 1999માં મુંબઈમાં થયો છે. મહિમા પેરેન્ટ્સ સાથે મુંબઈની દહીંસર સ્થિત ચાલીમાં રહેતી હતી. મહિમાના પરિવારમાં મોટા ભાઈ તથા માતા છે. મહિમાએ મેરી ઈમેક્યુલેટ ગર્લ્સ હાઇસ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. માસ મીડિયામાં તેણે બેચલર ડિગ્રી લીધી છે. મહિમાનો ભાઈ એકાઉન્ટન્ટ છે. મહિમા જ્યારે ચાર મહિનાની હતી ત્યારે પિતાનું કિડની ઇન્ફેક્શનને કારણે 1999માં અવસાન થયું હતું. તેના પિતા મિસ્ત્રી તરીકે કામ કરતા હતા. પિતાના આકસ્મિક અવસાન બાદ મહિમાની માતા પર બંને ભાઈ-બહેનને ઉછેર કરવાની જવાબદારી આવી ગઈ હતી.
મહિમા જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેણે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણે 500થી વધુ ઓડિશન આપ્યા હતા, પરંતુ તે તમામમાં રિજેક્ટ થઈ હતી. તેને હંમેશાં માતાએ પ્રોત્સાહન આપ્યું છે. 2008માં મહિમાએ ચાઇલ્ડ એક્ટર તરીકે પહેલી ટીવી સિરિયલ ‘મોહે રંગ દે’માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘બાલિકા વધૂ’, ‘મિલે જબ હમતુમ’, ‘સવારે સબકે સપને..પ્રીતો’, ‘આહટ’, ‘CID’માં કામ કર્યું હતું. વર્ષ 2012માં મહિમાએ ટીવી સિરિયલ ‘સપને સુહાને લડકપન કે’માં લીડ રોલ પ્લે કર્યો હતો. આ સિરિયલથી મહિમા ઘેર-ઘેર જાણીતી થઈ હતી.