રાજ્યમાં એલઆરડીની 10હજારથી વધારે તેમજ પીએસઆઈની 1300 જગ્યા માટે અરજીઓ મગાવવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતી હાથ ધરવામાં આવી છે અને આ ભરતી સંપૂર્ણ પારદર્શક રીતે થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પણ અગાઉ પાદર્શક ભરતી અંગે જણાવી ચૂક્યા છે ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રીએ પણ આ વાત ફરીથી દોહરાવી છે અને ભરતીમાં કોઈ જ ગેરરીતિ કે લાગવગને સ્થાન નથી તેવું કહીને મહેનતુ ઉમેદવારો જરૂરથી સફળ થશે તેવું કહ્યું હતું. ઉમેદવારો કોઈ એજન્ટોની વાતોમાં આવે નહી તેવી ટકોર પણ તેમણે કરી હતી.
પોલીસ દળમાં લોક રક્ષક માટેની 10,459 જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ થઈ ચૂકી છે અને તેમાં 9.60 લાખ ઉમેદવારોએ અરજી કરી છે તો પીએસઆઈની 1300 જગ્યા માટે પણ લાખો ઉમેદવારોએ અરજી કરી છે. આ ભરતીને લઈ મહેનત કરતા ઉમેદવારો પોતે સફળ થશે તેવી આશા રાખી રહ્યા છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પણ ભરતીમાં કોઈ ગેરરીતિને સ્થાન નથી તેવું કહી ચૂક્યા છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ વાતને ફરી દોહરાવી હતી. તેમણે કહ્યું કે, ભરતી સંપૂર્ણરીતે પારદર્શક થશે અને તેમાં ગેરરીતિને કોઈ સ્થાન નથી. ઉમેદવારો કોઈ એજન્ટના ચક્કરમાં આવે નહી અને કોઈ પ્રલોભનનો શિકાર બને નહી. આ ભરતીની ઉપર જિલ્લાભરની પોલીસ પણ નજર રાખીને બેઠી છે અને એજન્ટોને શોધી રહી છે. મહેનતુ ઉમેદવારો ચોક્કસ સફળ થશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. હજુ કેટલાક ઉમેદવારો લાગવગ થશે તેવી આશા રાખી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વચોટિયા પણ પૈસા લઈને નોકરી અપાવવાની વાતો કરીને ઉમેદવારો સાથે ઠગાઈ આચરી રહ્યા છે. ભૂતકાળમાં આવા અનેક બનાવ સામે આવ્યા છે અને તે પછી હવે પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવી છે. ભરતીમાં સંપૂર્ણ ગોપનિયતા જળવાય તેમજ મહેનતુ ઉમેદવારોને ન્યાય મળે તે દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.