કચ્છના નખત્રાણામાં ગુરુવારની મોડી રાત્રે અચાનક બે જૂથ બાખડી પડયા હતાં. નખત્રાણાના કોટડામાં બે જૂથ વચ્ચે અથડામણ બાદ વાહનોને આગચંપી કરાતા તંગદિલી સર્જાઈ હતી. આ ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતનો પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
આ સ્થિતિને કાબૂમાં લેવા ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા.નખત્રાણાના કોટડા જડોદરમાં બાઈક મુદ્દે એક યુવક પર હુમલો થયો હતો. જેના રિએક્શન રૂપે બે જૂથ સામસામે આવી ગયા. એક જૂથના ટોળાએ જડોદરમાં કેટલાક વાહનો અને કેબિનોને આગચંપી કરી હતી. હુમલા બાદ આગચંપી કરતા વિવાદ વધ્યો હતો. જેથી સ્થાનિક પોલીસ તરત દોડતી થઈ હતી.
ઘટનાને પગલે રેન્જ IG અને SP, DySP સહિતના વરિષ્ઠ અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ પોલીસ સ્ટાફ દ્વારા કરાયો હતો. પરિસ્થિતીને વણસતી અટકાવવા માટે આસપાસના પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે SRP ના જવાનોને પણ સ્થળ પર તૈનાત કરાયા હતા. આ કેસમાં હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.