હળવદ
હળવદમાં ત્રણ ભેજાબાજ શખ્સોએ વધુ ભાડું આપવાની લાલચ આપી 14 જેસીબી અને 2 હિટાચી મશીન લઇ ગયા બાદ ત્રણ-ચાર મહિના ભાડું ચૂકવ્યા પછી ફોન પણ બંધ કરી દેતા છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માર્ચ મહિનામાં હળવદ પોલીસ મથકે નોંધાઈ હતી. જેથી પોલીસે તપાસ હાથ ધરતા આ ત્રણેય શખ્સો દ્વારા ભાડે લીધેલા અર્થ મુવર મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું છે. પોલીસ દ્વારા હાલ 2 જેસીબી કબજે કરી લીધા છે જ્યારે અત્યાર સુધીમાં પોલીસે 9 જેસીબી રિકવર કરી લીધા છે અને 7 ની તપાસ ચલાવવામાં આવી છે.
હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા બેચરભાઈ વેલાભાઇ મુંધવા અને તેમના સગા સબંધી પાસેથી 14 જેસીબી અને 2 હિટાચી મશીન વધુ ભાડુ આપવાની લાલચ આપી ત્રણ શખ્સો સ્ટેમ્પ ઉપર નોટરી લખાણ કરી લઈ ગયા હતા જોકે ત્રણ-ચાર મહિના ભાડુ ચૂકવ્યા બાદ આરોપીઓએ આરોપીઓનો કોઈ જ પત્તો ન મળતા છેતરપિંડી કરી હોવાનું સામે આવતા બેચરભાઈએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસની તપાસમાં ભાડે આપેલા જેસીબી અને હિટાચી મશીન જમ્મુ-કાશ્મીરમાં વેચી દીધા હોવાનું ખુલ્યું હતું જેથી હળવદ પોલીસ સ્ટાફના હે.કો રાજદિપ સિહ રાણા,લલિત ભાઈ દલવાડી અને શૈલેન્દ્રસિહ ઝાલાએ જમ્મુ કાશ્મીરથી હાલ 2 જેસીબી મશીન ઝડપી લઇ હળવદ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે હળવદ પોલીસ દ્વારા 16 જેસીબી પૈકી અત્યાર સુધીમાં 7 મશીનો કોર્ટ દ્વારા માલિકને સોપવામાં આવ્યાં છે જ્યારે જમ્મુ કાશ્મીરના છેવાડાના બડગામથી 2 જેસીબી જપ્ત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હજુ 7 જેસીબીની તપાસ તેજ ગતિએ ચાલવવામા આવી રહી છે.