ગાંધીનગર,શુક્રવાર
ગતિશીલ ગુજરાત, ગુજરાત મોડલ, વિકાસશીલ ગુજરાત, ગુજરાત અન્ય રાજ્યો કરતા વિકાસમાં હરણફાળ ભરી રહ્યું છે અને વિકાસનું ગ્રોથ એન્જિન છે આવા અનેક વાક્યો મઠારીને નેતાઓ સારી રીતે બોલી શકે છે અને વિકાસના નામે રાજનીતિ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવતી નથી. જાે કે, આ વિકાસનો પરપોટો ત્યારે ફૂટે છે કે જ્યારે નીતિ આયોગના રિપોર્ટમાં ઘટસ્ફોટ કરાય છે કે, ગુજરાતમાં 18 ટકા સાથે 1.12 કરોડ લોકો ગરીબ છે. માત્ર એટલું જ નહી પણ 2.11કરોડ લોકો પાસે રસોઈ માટે ઈંધણ કે લાકડાની પણ વ્યવસ્થા નથી. ડાંગ, દાહોદ, પંચમહાલ, નર્મદા આ ચાર જિલ્લા સૌથી વધારે ગરીબ છે જ્યારે અમદાવાદ જિલ્લામાં ગરીબાઈનું પ્રમાણ સૌથી ઓછું છે. ગુજરાતમાં ભાજપ છેલ્લા 25 વર્ષ કરતાં વધારે સમયથી શાસન કરી રહ્યો છે અને વિકાસની રાજનીતિ કરવામાં આવતી હોવાના બણગા ફૂંકવામાં આવે છે ત્યારે આ રિપોર્ટ આવા બોલકા નેતાઓ માટે મોટી લપડાક સમાન છે. આજે પણ રાજ્યમાં 1.56 કરોડ લોકો પાસે શૌચાલય નથી અને હાલ ગામડે-ગામડે શૌચાલય મૂક્ત ગામડું એવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે. 32.60 લાખ લોકો આજે પણ પીવીના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. 2.49 કરોડ પરિવારોને આજે પણ પોષણક્ષમ આહાર મળી શક્તો નથી. 31.39 લાખ લોકો શાળાએ પણ ગયા નથી.
ગુજરાતમાં અવિરત વિકાસ થઈ રહ્યો છે અને ભાજપની સરકાર છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધારે સમયથી વિકાસ કરી રહી છે તેવા પિપૂડા વગાડવામાં આવી રહ્યા છે. ગુજરાત મોડલ અન્ય રાજ્યો માટે પ્રેરણારૂપ છે અને ગતિશીલ ગુજરાત અવિરત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. વિકાસના નામે રાજનીતિ કરનારા ભાજપના નેતાઓ માટે નીતિ આયોગના આંકડા ગાલ ઉપર સણસણતો તમાચો ઠોકવા બરાબર છે. વિકાસ થયો છે, જરૂર થયો છે પણ એ માત્ર નેતાઓનો થયો છે, ધારાસભ્યોનો થયો છે, સંસદ સભ્યોનો થયો છે, તેમના બેન્ક બેલેન્સ તગડા થયા છે, પૈસાના ઝાડ તેમના ઘરે ઊગી નીકળ્યા છે પણ ગરીબ બિચારો ગરીબ જ રહ્યો છે. આવા ગરીબ પરિવારોને બે ટંક નહી પણ એક ટંક ખાવાના ફાંફા છે. ક્યારેક સૂકી રોટલી ખાઈને પણ લોકો પાણીનો એક લોટો પીને સૂવા માટે મજબૂર બની રહ્યા છે. ગુજરાતમાં 18 ટકા સાથે અધધ કહી શકાય તેટલા ૧.૧૨ કરોડ લોકો ગરીબ છે તેવા નીતિન આયોગના રિપોર્ટથી ગુજરાતમાં કેવો વિકાસ થઈ રહ્યો છે તેનો પર્દાફાશ થયો છે. ભાજપના નેતાઓ હવામાં ગોળીબાર કરીને વિકાસના નામે જનતાને આબાદ ઉલ્લુ બનાવતા હોવાનું આ રિપોર્ટ ઉપરથી તારણ નીકળે છે. ગરીબો માટે અનેક યોજનાઓ અમલી હોવા છતાં આવા પરિવારો ગરીબાઈમાંથી બહાર આવી શક્યા નથી.
ભાજપના નેતાઓ કયા મોંઢે ગરીબોના વિકાસની વાતો કરી રહ્યા છે તે જરા કોઈ ગરીબ પરિવારના ઘરે જઈને સમજાવે તેવું ગરીબ લોકો ઈચ્છી રહ્યા છે. માત્રને માત્ર ચૂંટણી જીતવા માટે પ્રોપગેન્ડા કરતા ભાજપના નેતાઓની કથની અને કરણીમાં જમીન આસમાનનો ફેર હોવાનું ગરીબોને લાગી રહ્યું છે. ગરીબોનો વિકાસ કેમ થયો નથી અને તેમના માટે બનાવવામાં આવેલી અનેક યોજનાઓ ક્યાં હવામાં ઓગળી જાય છે તેવા વેધક સવાલો ગરીબો પૂછી રહ્યા છે. વિચાર તો કરો કે, 2.12 કરોડ લોકો પાસે રસોઈ બનાવવા માટે ઈંધણ કે લાકડાની સુવિધા પણ નથી. રાજ્યના દરેક ગામડાઓમાં શૌચાલય મૂક્ત ગામડા એવા બોર્ડ મારી દેવામાં આવ્યા છે પણ આજે 1.56 કરોડ લોકો પાસે શૌચાલય જ નથી અને તેઓ ખુલ્લામાં શૌચ કરવા મજબૂર બની રહ્યા છે અને આવી સ્થિતિમાં મહિલાઓની હાલત ખરાબ થઈ રહી છે. 32 લાખ લોકો પીવાના શુદ્વ પાણી માટે આમ તેમ રઝળી રહ્યા છે અને એસી ઓફિસોમાં બેઠા-બેઠા નેતાઓ-મંત્રીઓ અને અધિકારીઓ સબ સલામતના દાવા ઠોકી રહ્યા છે.