ગુજરાતમાં કોરોના કાળમાં થયેલા મૃત્યુના આંકડાનો વિવાદ ફરીથી એક વખત ગરમાયો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોરોનાથી ત્રણ લાખ નાગરિકોના મૃત્યુ થયા હોવાનો દાવો કરતા આ વિવાદ ગરમાયો છે. રાહુલના આ નિવેદન પછી ગુજરાત સરકારના મંત્રી જીતુ વાઘાણીએ રાહુલ ગાંધીનું નિવેદન જૂઠું હોવાનું જણાવ્યું હતું.
જોકે થોડી જ વારમાં એમણે એવું પણ કહ્યું હતું કે, ‘ગુજરાતમાં કોરોના થી 3 લાખ મોત થયા હશે કે 4 લાખ નાગરિકોના મોત થયા હશે, સહાય બધાને મળશે.’ વાઘાણીનું આ નિવેદન કોરોના થી થયેલા મૃત્યુનો આંકડો લાખોમાં હોવાની વાતને આડકતરું સમર્થન આપી રહ્યો હોવાનું પણ પ્રતીત થતું હોવાનું કેટલાકને લાગે છે.
જીતુ વાઘાણીએ એવું કહીને આખો મામલો કેન્દ્ર સરકાર પર ઢોળી દીધો હતો કે, ‘કોરોના થી થયેલા મૃત્યુ નો જાહેર કરાયેલો આંકડો અને વાસ્તવિક આંકડામાં તફાવત છે એ માત્ર ગુજરાતમાં જ હોય એવું નથી. આખા દેશમાં આવી જ સ્થિતિ છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાથી થયેલા મૃત્યુનો જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે તે અને વાસ્તવિક આંકડાની વચ્ચે ખૂબ મોટું અંતર છે.’