અમદાવાદ, ગુરુવાર
IPL 2022 માટે અત્યારથી જ ફેન્ચાઇઝી અને BCCI તૈયારી કરવાનું શરૂ કરી દીધું છે. એવામાં આ સીઝનથી અમદાવાદ અને લખનઉની 2 નવી ટીમ ભાગ લેતાં બોર્ડે પ્લેયર રિટેન્શનના નિયમો અંગે ઘણા ફેરફાર કર્યા છે, જેને કારણે મેગા ઓક્શનમાં કોઈપણ ફેન્ચાઇઝીને વધુમાં વધુ 4 ખેલાડી રિટેન કરવાની અનુમતિ મળશે, બાકીના દરેક ખેલાડી ઓક્શનમાં ઊતરશે, જેને પરિણામે અત્યારે જૂની ફ્રેન્ચાઇઝી પોતાની ટીમના કોમ્બિનેશન મુદ્દે અસમંજસમાં મુકાઈ છે.
IPL-15 માટે ફ્રેન્ચાઈઝી કયા ખેલાડી રિટેન કરવા માગે છે એની યાદી આપવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર રાખવામાં આવી છે. હવે આમાં ગણીને 5 દિવસનો સમય બાકી રહ્યો છે. એવામાં મોટા ભાગની ફેન્ચાઈઝી કોને રિટેન કરવાની છે એની યાદી બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે દરેક ફેન્ચાઈઝીએ આ યાદી IPL ગવર્નિંગ કાઉન્સિલ અને BCCIને 30 નવેમ્બર બપોરે 12 વાગ્યા સુધી આપવાની રહેશે. મેગા ઓક્શન જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં થશે. એવામાં હવે 2 નવી ટીમને ઓક્શનમાં ઊતરેલા ખેલાડીઓમાં 3-3 પ્લેયરને પસંદ કરવાની અનુમતિ અપાશે. એક ટીમ પાસે આશરે કુલ 90 કરોડ રૂપિયા હશે. ગત સીઝનમાં આ રકમ 85 કરોડ રૂપિયા સુધી હતી. જો કોઈ ફ્રેન્ચાઈઝી ખેલાડીને રિટેન કરશે અથવા નહીં કરે તોપણ તેની રકમ 90 કરોડમાંથી કપાશે. કોઈપણ ફ્રેન્ચાઈઝી 4 ખેલાડીને રિટેન કરશે ત્યારે તેના પર્સમાંથી 42 કરોડ રૂપિયા કપાશે. અમદાવાદ ફ્રેન્ચાઈઝીના માલિક CVC કેપિટલ્સે રવિ શાસ્ત્રી અને ઈન્ડિયન ટીમમાં તેમના સહયોગી બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો સંપર્ક કર્યો છે. જોકે હજુ સુધી આ મુદ્દે સત્તાવાર નિવેદન કોઈએ આપ્યું નથી. CVCએ જ્યારે શાસ્ત્રી અને કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો સાથે સંપર્ક સાધ્યો હતો ત્યારે તેઓ ટીમ ઈન્ડિયાની સાથે T-20 વર્લ્ડ કપમાં વ્યસ્ત હતા અને ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ નિર્ણય લેવાનો સમય માગ્યો હતો.