ગાંધીનગર, ગુરૂવાર
રાજ્યમાં અમલી બનાવાયેલા કોરોના નિયંત્રણમાં મોટી છૂટછાટ આપવાની વિચારણા રાજ્ય સરકારે હાથ ધરી છે. લગ્ન અને સામાજિક પ્રસંગ માટે હાલની 400ની મર્યાદા વધારીને 600 થી 800 ને મંજૂરી અપાય તેવી સંભાવના છે. રાજ્યના આઠ મહાનગરોમાં ચાલી રહેલો નાઈટ કર્ફ્યુ પણ હવે ઉઠાવી લેવામાં આવે તેવી તેવી સંભાવના છે. આરોગ્ય વિભાગ સાથે પરામર્શ બાદ ગૃહ વિભાગ 1 ડિસેમ્બરથી નિયંત્રણ હળવા કરવાનો નિર્ણય આગામી સમયમાં જાહેર કરશે તેવું ગાંધીનગર સ્થિત સૂત્રો જણાવી રહ્યા છે.
રાજ્યમાં વ્યાપકપણે થયેલા રસીકરણને કારણે કોરોનાના કેસો પણ અંકુશમાં છે. દિવાળી બાદના સમયમાં પણ કેસોમાં મોટો ઉછાળો આવ્યો નથી અને હવે ધો. 1 થી 5 ની સ્કૂલો પણ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ લગ્નો, સ્નેહમિલન સમારોહ જેવા સામાજિક પ્રસંગોનું મોટા પાયે આયોજન થઈ રહ્યું છે ત્યારે લોકોને નિયંત્રણમાં વધુ છૂટછાટ અપાશે. આ સિવાય પહેલી ડિસેમ્બરથી પ્રી – વાયબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે અમદાવાદ – ગાંધીનગર અને અન્ય સ્થળોએ પણ પહેલી ડિસેમ્બરથી એક પછી એક કાર્યક્રમો યોજાવાના હોવાથી અને તેમાં ભાગ લેવા માટે બહારના લોકો તેમ જ ટ્રાન્સપોર્ટેશન વધે તેમ હોવાથી હાલ 8 મહાનગરોમાં લાદવામાં આવેલો રાત્રે 12 થી સવારે 6 સુધીનો રાત્રિ કર્ફ્યુ પણ ઉઠાવી લેવામાં આવે એવી સંભાવના બળવત્તર બની છે. (તસવીર પ્રતિકાત્મક છે)