અમદાવાદ શહેર હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યા બાદ અનેકજૂની પુરાની હવેલી અને ઈમારતોમાં મોટા પાયે સુધારો આવ્યો છે. એક એવું હેરિટેજ હાઉસ જેને જોઈને તમે દંગ રહી જશો. આ હેરિટેજ હાઉસ કોઈ હવેલીથી કમ નથી. જ્યાં દર્શન થાય ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના. વર્ષો પહેલાની પરંપરાઓ અને તે સમયના લોકોની રહેણીકરણીના. તો આવો જાણીએ અમદાવાદના ખાડીયામાં આવેલી ઐતિહાસિક ઈમારત કેવી છે
અમદાવાદની અલગ અલગ પોળમાં આજે પણ જુના અમદાવાદનો ઇતિહાસ ધરબાયેલો છે. જેમાંનું જ એક છે ખાડીયાના સુથારવાડામાં આવેલું આ હેરિટેજ હાઉસ. અંદાજે 200 વર્ષ જૂની આ હવેલી આજે હેરિટેજ હાઉસના નામે ઓળખાય છે. અહીં થેતા જગદીપ મહેતાએ આ હિસ્ટોરીકલ હવેલીની જાળવણી ખૂબ અદભુત રીતે કરી છે.
આ હવેલીની વિશેષતાની જો વાત કરીએ તો હવેલીમાં ફ્લોર પર ઈટાલિયન ટાઇલ્સ લાગેલી છે અને બારીઓમાં બેલજીયમ ગ્લાસ લાગેલા છે. છત પર 16મી સદીની ઇટાલિયન સ્ટાઇલ ડિઝાઇન જોવા મળે છે. અહીં ડચ ગ્લાસ પેંટિંગનાં મિરર પણ જોવા મળે છે.
કોર્પોરેશન અને હેરીટેજ સેલના સહિયારા પ્રોજેક્ટ તેમજ ફ્રેન્ચ ગર્વમેન્ટના પ્રોગ્રામથી જુની હવેલીનું 2004માં રીસ્ટોરેશન કરવામાં આવ્યું છે. 2005માં જગદીપભાઈએ આ હવેલીમાં હેરિટેજ સ્ટે હોમનો કોન્સેપટ અપનાવ્યો. અત્યાર સુધીમાં દેશ વિદેશથી અંદાજે 700 લોકો સ્ટે કરી ચુક્યા છે.
જ્યારે રોજ 25થી 30 લોકો ફ્રી વિઝીટ કરે છે જે અંતર્ગત 80થી 90હજાર લોકો વિઝીટ કરી ચુક્યા છે. ગુજરાત ગવર્મેન્ટ તરફથી બેસ્ટ હોમ સ્ટેનો એવોર્ડ પણ મળેલો છે