એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી પોતાના સામ્રાજ્ય માટે એક ઉત્તરાધિકારીની મહત્ત્વની યોજના બનાવી રહ્યા છે. એક રીપોર્ટ અનુસાર, ઓઈલ સેક્ટરથી લઈને ટેલિકોમ સેક્ટર સુધી ફેલાયેલા વેપાર માટે ઉત્તરાધિકારી મુદ્દે મુકેશ અંબાણી વોલ્ટન પરિવારનો માર્ગ અપનાવશે. ઉલ્લેખનીય છે કે, દુનિયાની સૌથી મોટી રીટેઈલ ચેન વોલમાર્ટના સ્થાપક સેમ વોલ્ટને ઉત્તરાધિકારી મુદ્દે એક સરસ મોડલ ફોલો કર્યું છે. પરિવારને કેન્દ્રમાં રાખો પણ મેનેજમેન્ટ કંટ્રોલ અલગ-અલગ વ્યક્તિઓના હાથમાં સોંપી દો.
મુકેશ અંબાણીની નેટવર્થ આશરે 7 લાખ કરોડ રૂપિયા હોવાનું મનાય છે. જોકે, તેમણે ઉત્તરાધિકારી તરીકે કોઈ પ્રકારની જાહેરાત કરી નથી. પણ હવે તેઓ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે. હવે તેઓ કોઈ મોટો અંતિમ નિર્ણય કરી શકે છે. પણ કંપનીના કામકાજ પરથી એક વાત સ્પષ્ટ છે કે, મુકેશ અંબાણી પોતાના ઉત્તરાધિકારી તૈયાર કરવા માટે કોઈ યોજના ઘડી રહ્યા છે.
રીલાયન્સ કંપનીમાં મુકેશ અંબાણીની ભાગીદારી 50.6 ટકાની છે. જે માર્ચ 2019માં 47.27 ટકા હતી. જેમાં શેર સંપત્તિને પણ આવરી લેવાય છે. જૂન મહિનામાં કંપનીની વાર્ષિક સભાને સંબોધતા મુકેશ અંબાણીએ એવા સંકેત આપ્યા હતા કે, એમના સંતાનો હવે આ વિશાળ સામ્રાજ્યમાં મુખ્ય સ્થાન મેળવી લેશે. જોકે, આવા વિષયો પર એમનું પ્લાનિંગ કાયમી ધોરણે એડવાન્સ રહ્યું છે. આકાશ અને ઈશા રીટેઈલ અને ટેલિકોમ જેવા નવા એકમો સંભાળી રહ્યા છે. વર્ષ 2014માં બંનેને રીલાયન્સ ટેલિકોમ અને રીટેઈલ સેક્ટરના ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. હાલમાં અનંત અંબાણી જીઓ પ્લેટફોર્મ પર ડાયરેક્ટર પદે છે. આ સાથે તે રીન્યુએબલ એનર્જી અને ઓઈલ કેમિકલ યુનિટ પણ સંભાળી રહ્યો છે.
રીપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફેમિલી હોલ્ડિંગને તેઓ એક ટ્રસ્ટ તરીકે ઊભું કરશે. જે ટ્રસ્ટ સમગ્ર કંપનીનું સંચાલન ધ્યાને લેશે. આ બોર્ડમાં પરિવારના દરેક સભ્યને સ્થાન આપવામાં આવશે. જેમાં મુકેશ અંબાણી સહિત એમના ત્રણેય સંતાનો રહેશે. કંપનીના મુખ્ય કામ માટે બહારના કોઈ વ્યક્તિને મોટી જવાબદારી સોંપાઈ શકે છે