રાજકોટમાં નવા એરપોર્ટની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. હવે એવિએશન પાર્ક બનાવવાની દરખાસ્ત કેન્દ્રીય તંત્રને કરવામાં આવી છે. એરપોર્ટનો ઉપયોગ કરતા નાગરિકોની સુવિધા માટે એવિએશન પાર્કના જોડાણ માટે ટેકસી લીંકની મંજૂરી માંગવામાં આવી છે. આ સિવાય ભાવનગર પાસે આવેલા પાલીતાણામાં શેત્રુંજ્ય ડેમ સહિત રાજ્યના છ સ્થળોએ સી-પ્લેન સેવા માટે સર્વે શરૂ કરાયો છે. જોકે, અમદાવાદમાં હજુ સુધી સાબરમતીમાં લેન્ડ થનારા સી પ્લેનના ઠેકાણા નથી.
આ વિષય પર મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ કહ્યું કે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાના અધ્યક્ષસ્થાને જુદા જુદા રાજ્યોના નાગરિક ઉડ્ડયન મંત્રીઓની બેઠક થઈ હતી. દિલ્હી ખાતેની આ બેઠકમાં રાજ્યમાં એર સુવિધાઓનો વ્યાપ વધે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ સરળતાથી મળી રહે એ માટે ગુજરાત સરકારે પણ વિવિધ માગણીઓ કરી છે. જેને કેન્દ્ર સરકારે હકારાત્મક અભિગમથી ઉકેલ લાવવા તૈયારી દર્શાવી છે. દેશમાં સૌપ્રથમવાર 108ની જેમ એર એમ્બ્યુલન્સની સેવાઓ મળે આ માટે ગુજરાત રાજ્ય સરકારે કેટલુંક પ્લાનિંગ કરી રાખ્યું છે.

આવો કોઈ એર એમ્બ્યુલન્સનો કોલ આવે તો કલાકના રૂ.50,000 લેખે, હોસ્પિટલમાંથી કોલ આવે તો રૂ.55,000 તથા કોઈ વ્યક્તિને નાગરિક આ સેવાઓ માટે કોલ કરે તો રૂ.60,000નું ભાડું નક્કી કરાયું છે. રાજ્યને અમદાવાદ સિવાય બે સી-પ્લેન મળે એ માટે રાજ્યને આર્થિક સહાય મળી રહે એ માટે અપીલ કરાઈ છે. રાજકોટમાં તૈયાર થઈ રહેલા ગ્રીન ફિલ્ડ એરપોર્ટ માટે પણ નાગરિકોને સુવિધા પુરી પાડવા એવિએશન પાર્કના જોડાણ માટે જરૂરી મંજૂરી માગવામાં આવી છે.