મોરબી શહેરનો તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યમાં ચોથો ક્રમ આવ્યો છે.જોકે શહેરની પરિસ્થિતિ એવી છે કે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. અલગ અલગ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. મોરબીના શાક માર્કેટ વિસ્તાર, શનાળા રોડ તેમજ મોરબી ના સનાળા રોડ પર આવેલ શુભ હોટેલ પાછળ આવેલ કૈલાસ એપાર્ટમેન્ટ અને રુદ્ર એપાર્ટમેન્ટ ની વચ્ચે છેલ્લા પંદર દિવસ થી ગટર ઉભરાય છે. લોકો ને ગટર ના ગંધાતા પાણી માં મજબૂરી થી ચાલવું પડે છે. તંત્ર ને વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. ડોર ટુ ડોર કચરાનો સમયસર નિકાલ ન થતા હોવાની ફરિયાદ ઉઠી છે.
આ બાબતે મોરબીના સામાજિક અગ્રણી કે ડી બાવરવા સીએમ ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી કે મોરબી શહેર ને સ્વચ્છતા માં ચોથો ક્રમ ગુજરાત રાજ્ય માં મળેલ છે.
આ માટે ના ક્યાં ધોરણો હોય છે. તે મને ખબર નથી પણ અમારા મોરબી ને જો ચોથો નંબર આવતો હોય તો અન્ય શહેર કેવા હશે ? તે અંગે પણ શંકા છે કારણ કે મોરબીમાં ગંદકી હોવા છતાં સ્વચ્છતા સર્વેક્ષણમાં આવેલ નંબર શંકાના દાયરામાં છે.પાલિકા વિવિધ વિસ્તારમાં સફાઈ અને ભૂગર્ભ ગટર નિકાલની કામગીરી હાથ ધરે તેમ સીએમ દ્વારા સુચના આપવામાં આવે તેવી માંગણી કરી છે.