રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સતત વિવાદોમાં રહી છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ 35 કોર્સની લેવાઈ રહેલી પરિક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે. એક જ દિવસમાં બે-બે પેપરમાં ભૂલ નિકળતા અનેક તર્ક વિતર્કો લાગી રહ્યાં છે. LLBમાં અન્ય વિષયનું હાથેથી લખેલું પેપર તો BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું પુછાતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાપરવાહી તો જુઓ. LLB સેમેસ્ટર-5ની પરીક્ષામા CPCનું પેપર હતું પણ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીને કારણે CPCની જગ્યાએ અન્ય પેપર નીકળતા દોડાદોડી થઈ ગઈ હતી. સવારે 10:30ના સમયે જે પેપર શરૂ થઇ જવું જોઈતું હતું તે પેપર બદલાઇ જતાં 10:55 વાગ્યે પેપર આપી શરૂ કરાયું હતું. એ પેપર પણ હાથેથી લખેલું હતું.
એલએલબી સેમ-5માં બે દિવસ બાદ જે પેપર લેવાનું હતું તે પેપર આજે કવરમાંથી નિકળતાં વિદ્યાર્થીઓ પણ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા અને પેપરની રાહ જોઈને એક કલાક જેટલો સમય વેડફાઈ ગયો હતો. સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા હાથે લખેલ પેપર સેન્ટરો ઉપર પહોંચાડાયા હતા અને વિદ્યાર્થીઓને 30 મિનિટનો સમય વધુ આપવામાં આવ્યો હતો.
તો BSCસેમ-5ની પરીક્ષામાં કેમેસ્ટ્રીના પેપરમાં પણ ભૂલ હોવાનો વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે. BSCના સેમેસ્ટર 5ના કેમેસ્ટ્રીના પેપરમાં સિલેબસ બહારનું પૂછાતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા. આમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આયોજન પર સવાલો ઊભા થઈ રહ્યા છે કે કોની ભૂલના કારણે અલગ વિષયનું પેપર વિદ્યાર્થીઓને અપાયું. અને BSCની પરીક્ષામાં સિલેબસ બહારનું કેમ પૂછવામાં આવ્યું? હાલ યુનિવર્સિટીના સત્તાધીશો સમગ્ર આરોપ મામલે મૌન સેવી રહ્યા છે.