ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાંથી જથ્થો પકડાયા બાદ, મોરબીમાંથી 120 કિલો ડ્રગનો જથ્થો પકડાયા બાદ અમેરિકાથી આવેલા પાર્સલમાં ડ્રગ્સ પકડાયું છે. જેમાં ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રૂ.4 કરોડના વ્યવહાર ક્રિપ્ટોકરંસીથી ચૂકાવાયા હોવાના પુરાવા સામે આવ્યા છે. 300 જેટલા પાર્સલમાં આ ડ્રગ્સ અમેરિકાથી અમદાવાદ સુધી પહોંચ્યું હતુ. કસ્ટમ વિભાગે 24 જેટલા અન્ય પાર્સલ જપ્ત કરી લીધા છે. આ ડ્રગની કિંમત 10 કરોડથી વધારે હોવાનું જાણવા મળ્યું છે.
તા.16 નવેમ્બરના રોજ બોપલમાંથી ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો હતો. એ પછી પોલીસને કેટલાક મહત્ત્વના પાસાઓ મળી આવ્યા હતા. છેલ્લા બે વર્ષમાં આરોપી વંદિત પટેલે અમેરિકાથી 300થી વધુ પાર્સલ મંગવીને 100 કિલોથી વધારે ડ્રગ વેચી નાંખ્યું હતું. અમદાવાદ, કલોલ, જયપુર તથા ઉદયપુરના 50થી વધારે એડ્રેસ પર 10 કરોડથી વધારે કિંમતના ડ્રગ્સની ડીલેવરી કરાવી હોવાાની કબૂલાત કરી છે. આ કેસમાં રૂ.4 કરોડના વ્યવહાર ઈથરિયમ, લાઈટકોઈન, બિટકોઈન જેવી ક્રિપ્ટો કરંસીથી ચૂકવાયા છે. પોલીસે કુલ 27 પાર્સલમાંથી 24 પાર્સલ કસ્ટમ મારફત જપ્ત કર્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે વંદિત પટેલ, પાર્થ શર્મા, વિપલ ગોસ્વામી તથા જીલ પરાતની ધરપકડ કરી લીધી છે. આ તમામની આકરી ઢબે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, તેઓ જુદા જુદા નામથી પાર્સલ મંગાવતા હતા. જેમાં સરનામા પણ જુદા જુદા હતા. ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની આડમાં ડ્રગ અમેરિકાથી ડ્રગ અમદાવાદ આવતું હતું. વિપલ ગોસ્વામી આંતરરાષ્ટ્રી ડ્રગ ડીલર વિક્કી ગોસ્વામીનો ભત્રીજો હોવાનું જાણવા મળઅયું છે. હવે આ કેસમાં વિક્કી ગોસ્વામીની સંડોવણી અંગે તપાસ કરવામાં આવી રહી છે. વંદીતે ઓનલાઈન ડ્રગ સાઈટ જેવી કે ગ્લેન રીયેલ સ્ટુડિયો, લાઈફ ચેન્જીસ હેલ્થ કેર નામની વેબસાઈટ પરથી ડ્રગ મંગાવીને વીકર મી, સ્નેપ ચેટ અને ટેલિગ્રામ જેવી એપ્લિકેશનથી વ્યવહાર થતો હતો.

વંદિત પટેલે ખુલાસો કર્યો તે વર્ષ 2012થી ડ્રગનો ધંધો કરે છે. જુદી જુદી ડ્રગ્સની આઈટમ મંગાવે છે. માત્ર અમેરિકા જ નહીં હિમાચલ અને મુંબઈથી પણ ડ્રગ મંગાવતો હતો. ન્યૂઝીલેન્ડ અને ચીનમાં રહેતા એના મિત્ર એમને પણ અમેરિકાથી ડ્રગની ડીલેવરી અપાવતો હતો. દિલ્હી, મુંબઈ જેવા મહાનગરમાં ડ્રગ પાર્ટી આયોજિત કરી ચૂક્યો છે. એટલે અન્ય રાજ્યમાં પણ ડ્રગનો વેપલો ચલાવી ચૂક્યો હોવાની પૂરી આશંકા છે. આ ડ્રગનો ઉપયોગ કરનારા મોટાભાગના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અમદાવાદની જુદી જુદી કૉલેજમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.