ગુજરાત રાજ્ય સરકારની 10મી વાયબ્રન્ટ સમિટ પહેલાં ગુજરાતમાં અદ્યતન ડેટાસેન્ટરની સ્થાપના અંગે વિચારણા ચાલી રહી છે. આ સેન્ટર કેન્દ્ર સરકારના આદેશ પછી તૈયાર થશે. હાલમાં પ્રાથમિક સ્તરે આયોજન થઈ રહ્યું છે. જેમાં એકીકૃત ગ્રીન હાઉસ ડેટા સેન્ટરનો કન્સેપ્ટ છે. આ સેન્ટર ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન (એસઆરઆર) વિસ્તારમાં ઉભું કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. એક સર્વગ્રાહી પોલિસી ભારત સરકારે બનાવી છે. એ પહેલાં સંસદના શિયાળુ સત્રમાં ભારત સરકાર પ્રાઇવેટ ડેટા સંરક્ષણ વિધેયક પણ લાવી રહી છે.
જેમાં સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર, ફેસબુક જેવા સોશ્યલ મીડિયા તેમજ ઈ-કોમર્સની તમામ કંપનીઓ અને દૂરસંચારના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા છે. આ બિલનો ઉદ્દેશ તમામ ઈન્ટરનેટ કંપનીઓએ અનિવાર્ય રૂપથી દેશની અંદર વ્યક્તિઓના મહત્વપૂર્ણ ડેટાને સ્ટોર કરવાનો છે. કેન્દ્ર સરકાર તરફથી સમયાંતરે ક્રિટીકલ ડેટાને વ્યાખ્યાયિત પણ કરવામાં આવશે. જોકે આ મામલાથ ફરી ડેટા સિક્યુરિટીને લઈને મોટા પાયે સરકાર ચર્ચા કરે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને ડેટા સુરક્ષાના મામલે સરકાર હવે ટેકનોલોજીના સહારે આગળ વધવા માગે છે. અન્ય રાજ્યોની જેમ ગુજરાત પણ આ પહેલા એક ડેટા સેન્ટર પોલિસી તૈયાર કરશે. આ પોલિસીનો ડ્રાફ્ટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં મૂડીરોકાણ અને રોજગારીના અવસરને પાયાથી જ આવરી લેવાશે. સરકારમાં વ્યાપક ચર્ચાના અંતે આવું ડેટા સેન્ટર ધોલેરામાં સ્થાપવાનું નક્કી કર્યું છે. ડેટા સેન્ટરથી જોડાયેલી નીતિ તૈયાર કરવા માટે આંધ્રપ્રદેશ અને તેલંગાણા સરકારની નીતિનો પણ અભ્યાસ કરવાનું હાલમાં નક્કી કરવામાં આવ્યું છે.
આવું ડેટા સેન્ટર હાલ તામિલનાડુનાં ચેન્નાઇમાં બનાવવામાં આવેલું છે. હવે આ દિશામાં ઉત્તરપ્રદેશની સરકાર પણ કામ કરી રહી છે. યોગી આદિત્યનાથની સરકારે ડેટા સેન્ટર પોલિસી હેઠળ મૂડીરોકાણનું પણ લક્ષ્ય રાખ્યું છે. આટી ક્ષેત્રની સફળતા સાથે એક મોટું સેન્ટર ગુજરાતમાં કાર્યરત થાય તો ઉદ્યોગોને ફાયદો થશે. આ સાથે નવી રોજગારીનું પણ સર્જન થવાના એંઘાણ છે. જ્યારે સરકારે મોટો ફાયદો થશે કે, તે આઈટી સિક્યુરિટીના ક્ષેત્રમાં વધારે સારૂ કામ કરી શકશે. ડેટા સેન્ટર એ એક નેટવર્ક સાથ જોડાયેલો કોમ્પ્યુટર સર્વરનો એક મોટો સમૂહ છે જે મોટી માત્રામાં ડેટાનો સ્ટોરેજ, પ્રોસેસીંગ અને વિતરણ માટે સંસ્થાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે. ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ, ઇંસ્ટાગ્રામ, યૂટ્યુબ અને જીમેઇલ જેવા સાધનોના કરોડો ઉપયોગકર્તાઓ છે. એટલું જ નહીં ઇ-કોમર્સની એપ્લિકેશનોના પણ કરોડો વપરાશકર્તા છે. આ તમામ ડેટા આ સેન્ટરમાં સ્ટોરેજ કરવાની સુવિધા ઉભી થઇ શકે છે.