અરબી સમુદ્રમાં એરસર્ક્યુલેશન સર્જાતા સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, કેશોદ, જૂનાગઢ, મહુવા સહિતના વિસ્તારોમાં વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. મહેસાણા, બનાસકાંઠા, અમદાવાદ, સાણંદ પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
રાજ્યના વાતાવરણમાં આજે સવારે એકાએક પલ્ટો આવ્યો હતો. પાલનપુર, બનાસકાંઠા, અમદાવાદ, સાણંદ, મહેસાણા, અરવલ્લી અને શામળાજીમાં વહેલી સવારે વિજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા વાતાવરણના પગલે તાપમાનનો પારો ગગડ્યો હતો. તો પાટણ પંથકમાં શંખેશ્ર્વર, રાધનપુર, વારાહી અને સરસ્વતિ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોએ વાવેલા પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકશાનીની ભીતી સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં ગઈકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનમાં ઘટાડો થયો હતો. આજે વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવતા રાજકોટ શહેરમાં જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. શહેરના રેસકોર્ષ રિંગરોડ ઉપર જોરદાર વરસાદી ઝાપટું વરસતાં રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તેમજ શહેરના મવડી, નવા રાજકોટ, કાલાવડ રોડ, સદર બજાર વિસ્તારમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. આજે સવારે રેસકોર્ષમાં કસરત કરવા આવેલા લોકો ભીંજાઈ ગયા હતા. તેમજ કેશોદ, જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ કચ્છના રાપર તાલુકાના મેવાણા, બેલા તેમજ ભૂજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલા કમોસમી વરસાદના પગલે આગામી બેથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે તેમજ ઠંડીનું જોર વધશે તેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું. તથા કમોસમી વરસાદના પગલે જીરૂ, ઘઉં, તલ, અડદ જેવા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાની થવાની સંભાવના ખેડૂતોએ વ્યકત કરી છે.