અમરેલીના બાબરીયાધાર ગામે આહીર સમાજના સમૂહ લગ્નોત્સવમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે રાજુલા ધારાસભ્ય અંબરીશ ડેર માટે ભાજપમાં જગ્યા હોવાનું કહેતાની સાથે જ ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષના નિવેદન બાદ ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી સી.આર. પાટીલ તોડજોડની રાજનીતિ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તો બીજી તરફ રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે હું મારા મતવિસ્તારની પ્રજાના આશિર્વાદોથી ચુંટાયેલા હોવાનું જણાવ્યું છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
અમરેલીના ધારીમાં આવેલા બાબરીયાઘાર ગામે આહીર સમાજના સમુહ લગ્નોત્સવ યોજાયા હતા. જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે સ્ટેજ ઉપરથી રમૂજ રીતે રાજુલાના ધારાસભ્ય અંબશીર ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી હોવાનું નિવેદન આપતા રાજકીય ગરમાવો આવ્યો છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આજે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે ડેરને મારે ખખડાવવાના છે, ડેર માટે ભાજપમાં જગ્યા ખાલી છે. જેમ બસમાં મિત્ર માટે જગ્યા રાખીએ છીએ તેમ અમે પણ જગ્યા ખાલી રાખી છે. અમારી પાર્ટીના ઘણા લોકો તેમના મિત્ર છે. પ્રદેશ અધ્યક્ષના આ નિવેદનના કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો અંબરીશ ડેરના ભાજપના પ્રવેશ માટે પ્રદેશ અધ્યક્ષે મૌન સેવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા રાજુલાનાધારાસભ્ય અંબરીશ ડેર અને મંત્રી મુકેશ પટેલ સાથે મુલાકાત થઇ હતી. જે બાદ અંબરીશ ડેર ભાજપમાં જશે તેવી ચર્ચાઓ તેજ બની હતી ત્યારે આજે સી.આર.પાટીલના નિવેદનથી ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવેદન બાદ ટંકારાના ધારાસભ્ય લલીત કગથરાએ સી.આર. પાટીલને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ નેતાને સમ્માન મળતું નથી. લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે ખાસ કરીને પાટીલભાઉથી ગુજરાતની પ્રજા નિરાશ છે. ચૂંટણી સમયે ભાજપના નેતાઓ તોડજોડની રાજનીતિ કરી રહ્યાં છે. સી.આર. પાટીલ પણ તેમાના જ છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવેદન બાદ રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને વાણી અને સ્વાતંત્રતાનો અધિકાર છે. એ પહેલા પણ ભાજપનું કાર્ય કર્યુ હતું. લોકોના આશીર્વાદથી હું ચૂંટાયો છું તેમજ અંબરીશ ડેરે વધુમાં જણાવ્યું હતું કે હું જે જગ્યાએ છું ત્યાં તટસ્થતાથી કામ કરું છું તેમજ ગુજરાતની અંદર આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષના લોકો મહેનત કરી રહ્યા છે. ભાજપમાં હતો ત્યારે જે પણ જવાબદારી આપી તે નિભાવી હતી. આજે કોંગ્રેસમાં છું ત્યારે કોંગ્રેસે આપેલી જવાબદારીઓનું વહન કરું છું.