અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાંથી એક અસાધારણ ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા એના ભત્રીજા સાથે ભાગી ગઈ હતી. જેના કારણે બે પરિવારમાં એકાએક દોડધામ મચી ગઈ હતી. કાકી અને ભત્રીજાના મોબાઈલ લોકેશન જ્યારે ટ્રેક કરવામાં આવ્યા ત્યારે બંને મુંબઈમાં હોવાનું જાણવા મળ્યું હતું. પછી પરિવારજનો મુંબઈમાં જઈને એને શોધવા માટે નીકળ્યા હતા. પણ આ ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
તા.10 નવેમ્બરના રોજ વહેલી સવારે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 32 વર્ષની મહિલા ઘરમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી. બીજી બાજું ભત્રીજો બાપુનગર વિસ્તારમાંથી એના ઘરેથી ગુમ હતો. પછી બંનેના પરિવારો એને શોધવા માટે દોડધામ કરવા લાગ્યા હતા. ભત્રીજો અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાં દુકાન ધરાવે છે. જ્યારે કાકી સાબરમતી વિસ્તારમાં આવેલા ભાડાના એક રૂમમાં થોડા સમય માટે રોકાઈ હતી. આ દરમિયાન ભત્રીજો આવતા જ બંને મુંબઈ ભાગી ગયા હતા. આ અંગે બંનેના પરિવારોએ પોલીસ સ્ટેશનમાં તેઓ ગુમ થયાની ફરિયાદ કરી છે. પોલીસે તપાસ શરૂ કરતા જાણવા મળ્યું હતું કે, બંને મુંબઈ છે અને દક્ષિણ મુંબઈના ક્રોફોર્ડ માર્કેટમાં આવેલી એક દુકાનમાં રૂ,18000ની કિંમતનો મોબાઈલ રૂ.6000માં વેચી નાંખ્યો છે. પરિવારે મુંબઈ પહોંચીને આ મોબાઈલ પાછો લીધો હતો. હાલમાં પણ બંને મુંબઈમાં હોવાની વિગત સામે આવી છે. થોડા વર્ષો પહેલા કાકી અને ભત્રીજા વચ્ચે પ્રેમ થયો હોવાના વાવડ મળ્યા હતા. પણ એ સમયે બંનેને ઠપકો આપીને વાત દબાવી દેવામાં આવી હતી.
પણ હવે ફરીથી આ મામલે નવું ગતકડું સામે આવતા બંનેના પરિવાર દોડધામ કરી રહ્યા છે. પોલીસ તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, અમદાવાદમાંથી ભાગી ગયેલા કાકી ભત્રીજા ઈન્સ્ટાગ્રામ પર ખોટું આઈડી બનાવીને વાત કરતા હતા. બંને સાથે કૉલેજમાં પણ અભ્યાસ કરતા હતા. ભત્રીજાએ પોલીસ કેમ પકડી ન શકે, ક્યા સસ્તુ મકાન મળે, કમાણી કરવા અન્ય ક્યા રાજ્યમાં જવાય અને અમદાવાદના ક્યા વિસ્તારમાંથી સરળતાથી બસ મળે એ તમામ તપાસ કરી લીધી હતી.