પાન મસાલાને સ્વાસ્થ માટે હાનીકારક હોવાનું તો સૌ કોઈ જાણે છે જોકે આ પાન મસાલાનું વ્યસન કરતા લોકો પર ગંભીર બીમારીનું જોખમ બમણું થઇ ગયું છે.કારણ કે કેટલાક તત્વો દ્વારા વ્યસનનીઓને વહેલા બીમાર કરવાં તેમાં ભેળસેળ શરુ કરી દીધી છે જેનો પર્દાફાશ આણંદ જિલ્લામાં થયો છે
આણંદ જિલ્લાના ઓડ ગામના દેવરામપુરા સીમમાં નકલી પાન મસાલો બનાવતુ કારખાનુ પકડાયું છે. આણંદની એલસીબી પોલીસે છાપો મારીને એક બ્રાન્ડની નકલી પાન મસાલા પડીકીઓ બનાવવાની મિની ફેકટરી ઝડપી પાડી છે. પડીકી બનાવવાની મશીનરી, નકલી પાન મસાલાનો જથ્થો અને પાન મસાલા પાઉચનાં રોલ મળી કુલ રૂ. 1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મકાન માલિક અને નકલી વિમલ બનાવનાર મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.
ઓડ ગામની સીમ વિસ્તારમાં આવેલ એક કાચા મકાન નકલી વિમલની પડીકીઓ બનાવી બજારમાં વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે કોપી રાઈટ કંપનીએ આણંદની એલસીબી પોલીસને સાથે રાખીને મિની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો.જયારે રહેણાંક કાચા મકાનમાં ચાલતી ફેક્ટરીમાંથી નકલી પાન મસાલાની પડીકીઓ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે રહેણાંક મકાનમાં ચાલતી નકલી વિમલ પાન મસાલા અને ગુટખા બનાવવાની મિની ફેકટરીમાંથી નકલી વિમલની પડીકીઓનો જથ્થો,વિમલ બ્રાન્ડના છાપેલા પ્લાસ્ટિકના રોલ, પડીકીઓ બનાવવાનું મશીન, તેમજ કાથા કંચુકામાંથી પાન મસાલા બનાવવાનું હલકી ગુણવત્તાવાળા રો મટીરીયલ્સ સહિત રૂ 1.31 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબી પોલીસે નકલી વિમલ પડીકી બનાવનાર મુખ્ય સૂત્રધાર શકીલ ઇકબાલભાઈ વહોરા અને મકાન માલિક અનુપ પરમારની ઘરપકડ કરી તેમજ વિમલ બ્રાન્ડની નકલી ગુટખા બનાવવા રો મટિરિયલ્સ પૂરું પાડનાર અમદાવાદના મતીન ઉર્ફે ભયલું વહોરા વિરુદ્ધ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે પૂછપરછ કરતા અમદાવાદનાં શાહઆલમ વિસ્તારમાં રહેતો મતીન ઉર્ફે ભયલું વ્હોરા અગાઉ નકલી ગુટખા બનાવવાનાં કૌભાંડમાં ઝડપાયો હતો અને શકીલને નકલી વિમલ પાનમસાલા અને તમાકુ બનાવવાનું રો મટીરીયલ્સ મતીન સપ્લાય કરતો હતો અને નકલી વિમલનું ઉત્પાદન કરી શકીલ તે જથ્થો અમદાવાદ ખાતે મતીનને સપ્લાય કરતો હતો. જેથી મતીન આ નકલી વિમલનો જથ્થો અમદાવાદનાં બજારોમાં નાના વેપારીઓને સપ્લાય કરતો હતો.
નકલી પાન મસાલા બનાવવાની આ મિની ફેક્ટરી લાંબા સમયથી ચાલતી હતી. અત્યાર સુધીમાં નકલી વિમલનો કેટલો જથ્થો બજારમાં ઘુસાડવામાં આવ્યો છે તેની તપાસ માટે એલસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ મતીન ઉર્ફે ભયલુંને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે