ઉત્તર પ્રદેશના નોઈડામાં એક યુવકે પોતાની પત્ની સામે હનિટ્રેપમાં ફસાવી હોવાનો આરોપ મૂક્યો છે. તે પોતાની જાતને બેચલર કહીને લોકોને હનિટ્રેપનો શિકાર બનાવે છે. નોઈડાના એક પોલીસ સ્ટેશનમાં એક અસાધારણ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવકે પોતાની જ પત્ની સામે હનિટ્રેપનો આરોપ મૂક્યો છે. આ ઉપરાંત યુવાને પોતાની પત્ની વર્તણૂંક ઉપર પણ સવાલ ઊઠાવ્યા છે. યુવાને પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે, પત્ની સામાન્ય લોકોને ખોટું બોલીને ફસાવે છે.
તે પરિણીત છે તેમ છતાં બીજાને બેચલર હોવાનું કહે છે. બ્લેકમેઈલ કરીને પૈસા ઉઘરાવે છે. અત્યાર સુધીમાં તે કેટલાય લોકોને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. પોલીસે યુવાનની ફરિયાદ પર પોલીસ ફરિયાદ નોંધી છે. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે. ગૌતમબુદ્ધનગર DCP વૃંદા શુક્લાએ પણ આ કેસમાં ધ્યાન આપી કહ્યું કે, સેક્ટર 41માં રહેતા દીપક કુમારે પોતાની પત્ની સામે ફરિયાદ કરી છે. આ રીપોર્ટમાં એવો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે, એની પત્નીની ડેટિંગ એપ્લિકેશન પરથી એની સાથે મુલાકાત થઈ હતી. પોતે સિંગલ છે એવું કહીને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બંને વચ્ચે ખૂબ જ વાતચીત થઈ છે. પછી ઓખલામાં મળવા માટે બોલાવ્યો હતો. બંનેની સહમતી બાદ શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા.
દીપકે આરોપ લગાવ્યો કે, આ પછી તેણે બ્લેકમેઈલ કરવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં મોટી રકમની માંગ પણ કરી હતી. પૈસા ન આપવા પર યુવતીએ દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. પછી દીપકે દબાણમાં આવીને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. જ્યારે દીપકે પાછળથી તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, યુવતીના લગ્ન અગાઉ થઈ ચૂક્યા છે. પણ સોશિયલ મીડિયા પર તે પોતાને સિંગલ દેખાડે છે. પોલીસ ફરિયાદ બાદ પોલીસે યુવતી અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.
FIRમાં એવો પણ આરોપ મૂક્યો છે કે, મહિલા લગ્ન બાદ પણ ખોટી રીતે બ્લેકમેઈલ કરી રહી હતી. ડેટિંગ એપ્લિકેશન પર હજારો છોકરાઓ સાથે સંપર્કમાં છે. તેને પણ પોતાની માયાજાળમાં ફસાવે છે. પછી શારીરિક સંબંધો બનાવી એના પર દુષ્કર્મની ફરિયાદ કરવા ધમકી ઉચ્ચારીને મસમોટી રકમ વસુલ કરે છે.