ગુજરાતમાં ભાજપ સરકારમાં પરિવર્તન આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પદેથી રાજીનામું આપ્યા બાદ આખું મંત્રી મંડળ બદલાઈ ગયું છે. નો રીપીટ થીયરીથી દેશમાં સૌ પ્રથમ વખત મંત્રી મંડળ અને મુખ્યમંત્રીની પસંદગી કરવામાં આવી છે. નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને તેઓ મુખ્યમંત્રી બની ગયા. મંત્રી મંડળના તમામ મંત્રીઓ પહેલી વખત અલગ-અલગ વિભાગના મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે. તો બીજી તરફ નો રીપીટ થીયરીના કારણે જૂના મંત્રીઓને પડતા મુકવામાં આવ્યા હતા.
કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને કેબીનેટ મંત્રી બનનાર કુંવરજી બાવળિયાનું પણ પત્તું નવી કેબીનેટમાંથી કપાયું હતું. ભાજપ દ્વારા નો રીપીટથી થીયરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઇને પણ લાગુ કરવામાં આવી શકે છે. જો આવું થાય તો વર્તમાન ધારાસભ્યો પર મોટું જોખમ ઉભું થઇ શકે છે. કુંવરજી બાવળિયાનું એક સુચક નિવેદન સામે આવ્યું છે. તેમના કહ્યું છે કે, જો ટિકિટ નહીં તો ત્યારે જોઈ લઈશું. કુંવરજી બાવળિયા 2022ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ માટે પોતાની દાવેદારી મજબૂત રીતે કરી રહ્યા છે.
કુંવરજીએ જણાવ્યું હતું કે, કોળી સમાજનું સૌરાષ્ટ્રની 8 બેઠક પર પ્રભુત્વ છે. ભાજપ કોળી સમાજની સાથે અન્યાય કરશે તો તેને સીટો વિધાનસભામાં ગુમાવવાનો વારો આવશે. ઉત્સાહમાં એવું પણ બોલી ગયા હતા કે, પોતે હાલ ભાજપમાં જ છે અને ભાજપ તેમને ટિકિટ આપશે. તો બાવળિયાએ એવું પણ કહ્યું હતું કે, ટિકિટ નહીં મળે તો ત્યારે જોઈ લઈશું. જ્યારે કુંવરજીએ આ નિવેદન આપ્યું ત્યારે તેઓ કંઇક અજુગતું બોલી ગયા હોવાનું તેમને ભાન થયું અને ત્યારબાદ તેમને મૌન સેવી લીધું હતું.