રાજકોટ પાસે આાવેલા જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંદોલનમાં શહીદ થયેલા 14 વીરોના સ્મારકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દિનેશ બાંભણીયા, ગીતા પટેલ, લાલજી પટેલ, પરેશ પટેલ અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમમાં BAPS સંસ્થાના સંત અપૂર્વ સ્વામીએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, પાટીદાર સમાજના લોકો ઈંડા અને નોનવેજની લારી પર ઉભા રહેવાનું બંધ કરો.
પાટીદારોને ખાસ કહું છુ કે, પાટીદાર કલેક્ટર અને કમિશનર હોવા જોઈએ. પાટીદાર પાણીદાર છે. વિવેકાનંદ કહેતા કે દરેકમાં ગજબની શક્તિ રહેલી છે. વ્યસન બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદાર નિર્વ્યસની હોવો જોઈએ. બહુ હિંમત કરીને આ બોલું છું. મને ખબર છે કેટલાકને નહીં ગમે પણ હું BAPSનો સંત છું. અમે ખાલી મખમલના ગાલીચા પર બેસવા માટે નથી આવતા. ગલીપચી કે ખાલી લાડ કરવા કરવા માટે નથી આવતા. અમે દેશ વિદેશમાં ફરીએ છીએ. તમે જેટલા ગામ નહીં ફર્યા હોય એટલા તો દેશમાં અમે ફરીએ છીએ. પાર્લામેન્ટમાં લેકચર આપીએ છીએ. છેલ્લે મારે એ જ કહેવું છે કે, પટેલ, વાણીયા, બ્રાહ્મણ બાજુમાં મૂકી પણ પાટીદાર આજે ઈંડાની લારી પર કેમ ઉભા રહેવા લાગ્યા છે. પાટીદાર માસ કેમ ખાય છે. સરદાર ખાતા હતા. જય સરદાર બોલો નહીં પણ શાકાહારી બનો, નિર્વ્યસની બનો. વ્યભિચાર છોડી દો.