મહાનગર અમદાવાદમાંથી લીવ ઈન રીલેશનશીપનો એક અસાધારણ કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક બાંગ્લાદેશી મહિલા અમદાવાદના યુવકના પ્રેમમાં પડી હતી. બંને સોશિયલ મીડિયા થકી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. પ્રેમ થયા બાદ મહિલા ટુરિસ્ટ વિઝા પર અમદાવાદ આવી ગઈ હતી. પછી યુવક સાથે લીવ ઈનમાં રહેવા લાગી હતી. પણ ટુરિસ્ટ વિઝા પૂરો થયા બાદ મહિલાએ પોતાની ઓળખ બદલાવી નાંખી હતી. આ સમયગાળા દરમિયાન તે બે વર્ષની બાળકીની માતા પણ બની ગઈ હતી.
અમદાવાદા ગ્રામ્ય SOGની ટીમે એક ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડતા હકીકત સામે આવી છે. આ દરમિયાાન પોલીસે 2 નકલી પાસપોર્ટ, 2 નકલી આધારકાર્ડ તથા બે મોબાઈલ ફોન એમ કુલ મળીને રૂ.7000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલમાં યુવતીની તપાસ કરવામાં આવી રહી છે. વિદેશમાંથી આવીને ભારતમાં રહેતા લોકોની તપાસ કરવામાં આવી રહી હતી. એવામાં SOGને ચોક્કસ બાતમી મળી હતી કે, ચાંગોદર વિસ્તારમાં આવેલા એક સત્યેશ રેસિડન્સીમાં સોનું જોશી નામથી રહેતી મહિલા મૂળ બાંગ્લાદેશની છે. એનું સાચું નામ પણ સિરીના હુસૈન છે. ભારતમાં આવીને તે ખોટી રીતે વસવાટ કરી રહી છે. પોલીસે દરોડા પાડી એની ધરપકડ કરી લીધી છે. તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, આ મહિલા ટુરિસ્ટ વિઝા પર અહીં આવી હતી. પછી તે બાંગ્લાદેશ પરત ન ગઈ.
એની પાસેથી બાંગ્લાદેશ અને ભારત એમ બે દેશના પાસપોર્ટ મળ્યા છે. ભારતનો પાસપોર્ટ તેણે ગત વર્ષે બનાવ્યો હતો. ખાસ વાત એ છે કે, યુવતી પાસેથી જે ડૉક્યુમેન્ટ મળ્યા છે એ હૈદરાબાદના છે. ચાંગોદરમાં જેના ઘરે લીવ ઈનમાં રહેતી હતી એ યુવક સાથે ફેસબુક પર સંપર્ક થયો હતો. પછી બંને વચ્ચે પ્રેમ થયો હતો. બંનેની બે વર્ષની એક દીકરી છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે, યુવતી કોઈ રેકેટમાં સંડોવાયેલી છે કે નહીં.