ભિલાડ પાસે બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે જીવલેણ અકસ્માત, 3નાં મોત
અમદાવાદ મુંબઈ હાઈવે ફરી એકવખત ગોઝારો પુરવાર થયો છે. ખાસ કરીને વલસાડ નજીક મોટા વાહનોના અકસ્માત થતા આ વિસ્તાર જાણે અકસ્માત ઝોન બન્યો હોય એવું ચિત્ર સામે આવ્યું છે. વલસાડના ભિલાડ પાસે એક સાથે ત્રણ વાહનોનો અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના જીવ ગયા છે. બસ, ટ્રક અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. અકસ્માતની જાણ થતા પોલીસ ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ભિલાડ નજીક કનાડું ગામના દંપતિનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. જ્યારે ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. કનાડું ગામના મૂકેશભાઈ પોતાની પત્ની સાથે જ્યારે ઘર બાજુ પરત આવી રહ્યા હતા ત્યારે કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતમાં પતિ અને પત્ની બંનેના મોત થયા છે. આ પહેલા આ જ વિસ્તારમાં ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ હાઈવે અમાદાવાદ અને મુંબઈને જોડે છે.
જે વાયા સુરત વડોદરા અને વલસાડ થઈને જાય છે. પણ મોટા ભાગના અકસ્માત વલસાડ અને વાપી નજીકના વિસ્તારમાં થાય છે. પુરપાટ વેગે દોડતા વાહનોમાં ક્યારેક ચાલક કાબુ ખોઈ બેસે છે તો ક્યારેક રોંગ સાઈડમાં આવતા વાહનને કારણે અકસ્માત થાય છે.