બાળકો ત્યજી દેવાનો કિસ્સો ગુજરાતમાં મહાનગર અમદાવાદ બાદ હવે નડિયાદમાંથી સામે આવ્યો છે. નડિયાદમાં માતૃછાયા અનાથ આશ્રમ પાસેથી બાળક મળી આવ્યું છે. જે બાળક કોનું છે અને કોણ અહીં એને મૂકી ગયું એ અંગે કોઈ ખાસ જાણકારી મળી નથી. અનાથ આશ્રમ પાસે કોઈ અજાણ્યો શખ્સ આ બાળકને મૂકીને ફરાર થઈ ગયો હતો. આ વાતની અનાથાશ્રમ સંચાલકોને જાણ થતાં માસુમ બાળકને સૌથી પહેલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયું હતું. બાળકની તબિયત હાલ નાજુક છે અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
આ બાળકની ઉંમર આશરે દોઢ માસની હોવાનું મનાય રહ્યું છે. જોકે, તાજુ જન્મેલું આ બાળક કોણ મૂકી ગયું એ પ્રશ્ન હજું રહસ્ય છે. આ મામલે નડિયાદ પોલીસે આ બાળક કોણ મૂકી ગયું અને માતા-પિતા કોણ છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદ લેવાઈ રહી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી પગલાં ભરી રહી છે. નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.પી.પટેલ નડિયાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અનાથ આશ્રમના સંચાલકોએ બાળ સુરક્ષા વિભાગને આ વિશે જાણ કરવામાં આવી છે. અનાથ આશ્રમમાં આમ આવી રીતે બાળકને મુકી જવાને લઈને સવાલો ઉભા થયા છે. બાળકનું અપહરણ બાદ બાળકને આશ્રમમાં ત્યજી દેવામાં આવ્યુ છે કે પછી અન્ય ઈરાદા પૂર્વક કોઈ આવું કરી ગયું છે. એવા અનેક પ્રશ્નો નડિયામાં ચર્ચામાં છે. આ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અગાઉ અમદાવાદમાં તા.5 નવેમ્બરે એક નાનકડી બાળકી કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિર પાસે બસ સ્ટેન્ડ પરથી મળી આવી હતી. અગાઉ પણ ગાંધીનગરના પેથાપુરમાં બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી જેમાં ઘટનાનો પર્દાફાશ થતા બાળકની માતાની હત્યા બાદ બાળકને ત્યજી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે નડિયાદમાં તરછોડાયેલા બાળક મામલે કેવા ખુલાસા સામે આવે છે તે જોવાનું રહ્યું ?