દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં સલાયામાંથી બુધવારના રોજ એસઓજીની ટીમને મોટી સફળતા મળી હતી દ્વારકા એલસીબી એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે મોટી માત્રામાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.તો ત્રણ શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. બપોર સુધીમાં ગૃહમંત્રી તેમજ રેન્જ આઈ.જી.સંદિપસિંઘે પત્રકાર પરિષદ યોજી હતી અને ડ્રગ્સનો જથ્થો કેટલો છે અને વાસ્તવિક રીતે તેની કિંમત કેટલી છે તેને લઈને અલગ અલગ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા હતા.
રેન્જ આઈ.જી.પી. સંદિપસિંઘે આપેલી માહિતી મુજબ ડ્રગ્સનો જથ્થો સલાયાના ડ્રગ્સ માફીયા અલી કારા અને સલીમ કારાએ પાકિસ્તાનથી દરિયાઈ મંગાવ્યો હતો. અને જથ્થો ઉતરી ગયા બાદ તેને જે તે સ્થળ ઉપર મોકલવાનો હતો.જોકે પોલીસની સતર્કતાને કારણે તેને મુળ સુધી પહોંચે તે પહેલા જ પેટ્રોલીંગ દરમ્યાન તેને કબ્જે કરી લેવામાં આવ્યો છે.
પોલીસની ઝપટમાં ચઢાયેલ શખ્સ મહારાષ્ટ્રનાં થાણેનો શહેજાદ નામનો પેડલર હોવાનું ખુલ્યુ છે તેની પાસેથી પોલીસને ડ્રગ્સનાં 19 પેકેટ જેમાં 11.48 કિલો હેરોઈન અને 6.168 ગ્રામ એમડી ડ્રગ્સ હોવાનું ધ્યાન પર આવ્યું છે. આ જથ્થો પકડાયા બાદ તે કયાંથી આવ્યો તે અંગે ગહન પુછપરછ કરવામાં આવતા શેહજાદે વધુ 47 પેકેટ કારા બંધુઓ પાસે હોવાની કેફીયત આપતા પોલીસે ત્યાં દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સંભવત: સાંજ સુધીમાં ડ્રગ્સનો જથ્થો કબ્જે લઈ માફીયાઓને ઝબ્બે કરી લેવામાં આવશે તેવી સંભાવના પત્ર રેન્જ આઈ.જી.એ વ્યકત કરી હતી.