મંગળવારે સવારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લા પંચાયતની આંકડાં શાખામાં આગ લાગી હતી. જેમાં અનેક મહત્ત્વના દસ્તાવેજ બળીને ખાખ થઈ ગયા હતા. એટલું જ નહીં કચેરીમાં રહેલા કોમ્પ્યુટરને પણ મોટું નુકસાન થયું હતું. ક્યા કારણોસર આગ લાગી તે હજું સુધી જાણી શકાયું નથી. જોકે, મહત્ત્વની ફાઈલ આ ઘટનામાં બળી ગઈ હોવાના રીપોર્ટ છે. આગની ઘટનાને પગલે દોડી આવેલી ફાયરની ટીમે આગ પર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનાની જાણ થતા જ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થળની મુલાકાત કરીને સમીક્ષા કરી હતી. સંપૂર્ણ માહિતી પણ મેળવી હતી. જિલ્લા પંચાયતના બે વિભાગના રેકોર્ડ અને બાર જેટલા કોમ્પ્યુટર ખાખ થઈ ગયા હોવાના રીપોર્ટ મળી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. FSL ટીમની પણ મદદ લેવામાં આવી હતી. આ ટીમ તપાસ કરી એક રીપોર્ટ તૈયાર કરશે એના પરથી ખબર પડશે કે, ક્યા કારણોસર આગ લાગી હતી.
ફાયર વિભાગની ટીમ યુદ્ધના ધોરણે સાધન તથા ફાયરફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સતત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ આગે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. તેથી અન્ય ફાયર ફાઈટરની મદદથી પાણીનો મારો ચાલું રાખવામાં આવ્યો હતો. પંચાયત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ તથા અધિકારીઓએ પણ આવવાનું શરૂ કરી દીધું હતું. અધિકારીઓ પણ આગ જોઈને થોડા સમય માટે ગભરાઈ ગયા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગમાં પંચાયતની આંકડા શાખામાં રાખવામાં આવેલા મહત્ત્વના દસ્તાવેજ બળીને ખાખ થઈ ગયા છે. કોમ્પ્યુટર તથા ઈલેક્ટ્રિક સામાનને મોટું નુકસાન થયું છે. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.