અત્યાર સુધી રેલવે ટ્રેક પર દોડતી ટ્રેન આપણે સૌએ જોઈ છે. પણ રાજકોટના એક યુવાને લાખો રૂપિયાનો ખર્ચો કરીને રસ્તે દોડતી ટ્રેન મૂકી છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં રહેતા યુવાન કરણ પિત્રોડાએ રૂ.7 લાખના ખર્ચે રસ્તા પર દોડતી એક મિની ટ્રેનનું નિર્માણ શરૂ કર્યું છે. આ માટે તેમણે રાજકોટ શહેરના રાજમાર્ગ પર એક ડેમો રજૂ કર્યો હતો. અત્યારે રાજકોટના રસ્તાઓ પર મિની ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકોમાં પણ આનો એક પ્રકારનો રોમાંચ જોવા મળ્યો હતો.
આ મામલે કરણ પિત્રોડાએ કહ્યું કે, આમ તો હું સિંહપ્રેમી છું. ગીરને ધ્યાને રાખીને આ મિની ટ્રેન તૈયાર કરી છે. આ ટ્રેન રાજકોટમાં જ તૈયાર થઈ છે. આ માટે મારી આઠથી દસ વ્યક્તિઓની ટીમે 20થી 25 દિવસ સુધી સતત એક મહેનત કરી આ ટોય ટ્રેન બનાવી હતી. જે તૈયાર કરવા પાછળ રૂ.7 લાખનો ખર્ચો થયો છે. કરણે કહ્યું કે, પપ્પાનો મૂળ તો ફેબ્રિકેશન તથા રાઈડ્સનો વ્યવસાય છે. આ કામ પરથી મને ટ્રેન બનાવવાનો વિચાર આવ્યો. સામાન્ય રીતે તો ટ્રેન રેલવે ટ્રેક પર ચાલે છે. પણ મેં આને રસ્તા પર દોડાવવાનો પ્રયત્ન કર્યો છે. આ માટે મેં નાના ટ્રેક્ટરનો બેઝ ધ્યાને લીધો છે. આ ટ્રેન હવે સાસણગીરમાં એક મિત્રના રીસોર્ટમાં ચાલશે. આ માટેનું ટ્રાયલ મેં રાજકોટ શહેરના રાજમાર્ગ પર કર્યો હતો. જેમાં લોકોને પણ આનંદ પડ્યો, કંઈક નવું લાગ્યું. બાળકોમાં એક પ્રકારનો રોમાંચ જોવા મળ્યો. હાલ તો રાજકોટમાં આ ટ્રેન આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.