સુરતવાસીઓ અવારનવાર ઓર્ગન ડોનેશન થકી સેવાની નદી વહાવે છે. આવું જ માનવતાને મહેકાવતું એક પ્રેરક કદમ અંગ દાન મહાદાનના સૂત્રને સાર્થક બનાવવા માટે સુરતના કાકડિયા પરિવારે સમાજને એક નવી દિશા આપી છે. કાકડિયા પરિવારે એક અનોખું પગલું ઉઠાવી સમાજને દિશા ચીંધી છે. 14 વર્ષીય ધાર્મિક અજયભાઈ કાકડિયાના પરિવારે પોતાના વ્હાલસોયા બાળકના હૃદય, ફેફ્સાં, લિવર, ચક્ષુઓ સહીત બન્ને હાથોનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
સૌપ્રથમ વખત શહેર પોલીસના સહકારથી હાથ, હ્રદય અને ફેફ્સાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે એક જ દિવસમાં ત્રણ ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સિટી તરીકે દેશમાં ખ્યાતી પામી રહ્યું છે. સુરતની હોસ્પિટલથી મુંબઈનું 292 કિમીનું અંતર 105 મિનિટમાં કાપીને બંન્ને હાથનું ટ્રાન્સપ્લાન્ટ 32 વર્ષીય વ્યક્તિમાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ મૂળ પૂના સિટીની છે.
રામપાર્ક સોસાયટી કતારગામમાં રહેતો અને ડભોલીમાં આવેલ બ્રીલીયન્ટ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતો 14 વર્ષીય ધાર્મિકને ગત તા.27 ઓક્ટોબરના રોજ ઉલટીઓ થતા તેમજ બ્લડ પ્રેસર વધી જવાને કારણે ખાનગી હોસ્પિટલમાં ન્યુરોફીજીશિયન ડો.હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. અંતે આ યુવાન મૃત્યુ પામ્યો હતો. ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. ત્યારબાદ તા.29 ઓક્ટોબરના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેનડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.
લલીતાબેન અને અજયભાઈએ (માતા પિતા)ને જણાવ્યું કે, અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી. છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડાયાલિસિસની પીડા શું હોય તે અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જ્યારે અમારો ધાર્મિક બ્રેઈનડેડ છે, ત્યારે તેના અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો