ક્યારેક એવી ઘટના બને છે કે, કોઈએ એની કલ્પના પણ ન કરી હોય. તહેવારના દિવસોમાં ફરવા માટે નીકળી પડતા પરિવારો માટે એક એલર્ટ સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિવારની યાત્રા શરૂ થાય એ પહેલા જ એમાં પૂર્ણ વિરામ મૂકાઈ ગયું હતું. સોમનાથ મંદિરે દર્શન કરવા માટે જઈ રહેલા નવસારીના પરિવારનો અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.
નવસારીનો પરિવાર ઈનોવા કરીને સૌરાષ્ટ્ર યાત્રા કરવા નીકળ્યો હતો. પણ યાત્રા શરૂ થાય એ પહેલા જ અકસ્માત થયો હતો. બપોરના સમયે કાર દર્શન કરવા માટે વેરાવળ તરફ આવી રહી હતી. બપોરના ત્રણેય વાગ્યા આસપાસ ઈનોવા કાર જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસેના મંગલપુરના પાટિયા પાસે પલટી ખાઈ ગઈ હતી. જેમાં ડ્રાઈવર અને પિતા પુત્રના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકનું નામ હરેશ પ્રમુદાસ પટેલ, સંદીપ પટેલ અને હરીશ પટેલ છે. જ્યાારે કૃપાલી દિનેશ પટેલ, પ્રિતેશ દોરી અને રમીલા પટેલને ગંભીર ઈજા થઈ છે. કારનું આગળું ટાયર રીંગમાંથી નીકળી જતા કાર ગોથું ખાઈ ગઈ હતી. જૂનાગઢ જિલ્લાના કેશોદ નજીક મંગલપુર બાયપાસ ચોકડી પાસે આ ઘટના બની હતી.
ઈજાગ્રસ્ત થયેલા ચાર વ્યક્તિઓને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ઈનોવાનો એક તરફનો ભાગ પડીકું વળી ગયો હતો.અકસ્માત થતા જ આસપાસમાંથી દુકાનદારી તથા રાહદારીઓ દોડી આવ્યા હતા. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. દૂર દૂર સુધી વાહનોના થપ્પા લાગ્યા હતા. પોલીસ તથા 108ને જાણ કરતા ટીમ યુદ્ધના ધોરણે દોડી આવી હતી