સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મોરબીના અણીયારી ગામેથી લોકશાહીને મજબૂત કરતો એક સુંદર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વરરાજાએ પરણવા જતાં પહેલાં મતદાન મથકે પહોંચી પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અણીયારી ગામના રહેવાસી પ્રેમજીભાઈ હરજીવનભાઈ અહલગામાના આજે લગ્ન છે. ઘરે મંગળ ગીતો ગવાઈ રહ્યા હતા અને માળિયાના ભારતનગર ગામે જાન લઈને જવાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, વરરાજા તરીકે સજ્જ થયેલા પ્રેમજીભાઈએ સાસરે પધારતા પહેલાં લોકશાહીના પર્વમાં આહુતિ આપવાનું નક્કી કર્યું હતું. તેઓ લગ્નના પહેરવેશમાં જ ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. વરરાજાને મતદાન મથકે જોઈ અન્ય મતદારો પણ રાજી થયા હતા અને તેમના નિર્ણયને બિરદાવ્યો હતો. મતદાન કર્યા બાદ જ તેઓ માળિયાના ભારતનગર જવા રવાના થયા હતા. આ પ્રસંગે પ્રેમજીભાઈએ જણાવ્યું હતું કે, લગ્ન એ જીવનનો મહત્વનો પ્રસંગ છે, પરંતુ મતદાન એ દેશ અને સમાજ પ્રત્યેની આપણી પવિત્ર ફરજ છે. આમ, લગ્ન પહેલાં મતદાન કરીને યુવકે સમાજમાં ‘પહેલા મતદાન, પછી અન્ય કામ’નો અનોખો સંદેશ વહેતો કર્યો છે.

