ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહની સુનાવણીમાં સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ધારદાર પ્રશ્નો કર્યા છે. સાબરમતી નદીને પ્રદૂષિત કરનારાંઓ સામે કાર્યવાહી કરવામાં તંત્ર આટલું લાચાર શા માટે છે? આ પ્રશ્ન કરીને તંત્રની કામગીરી સામે પ્રશ્નો કર્યા છે. આ ઉપરાંત કોર્ટના ધ્યાને આવ્યું હતું કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ડેટા સાથે ચેડાં કરવામાં આવે છે. તેથી આ રજૂ કરેલ ડેટા ભરોપાત્ર નથી. જેથી કોર્ટે ચિમકી ઉચ્ચારી હતી કે આવી રીતે ડેટા સાથે ચેડાં કરનારા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવશે. કોર્ટે વધુ સુનાવણી ત્રીજી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠ સમક્ષ હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટમિત્ર હેમાંગ શાહ તરફથી જોઇન્ટ ટાસ્ક ફોર્સની રીપોર્ટ થયો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સુએજ ટ્રીટમેન્ટના ડેટા સાથે ચેડાં કરવામાં આવે છે. રજિસ્ટરમાં જે આંકડાઓ નોંધાયા હતા તેના પુનરાવર્તિત ટ્રેન્ડમાં હતા. તેથી ડેટા ભરોસાપાત્ર નથી. તેના આધારે હાથ ધરાતું એનાલિસિસ પણ ભરોપાત્ર નથી. કોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધર્યા બાદ શું પ્રગતિ થઇ તે અંગે પ્રશ્ન કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જવાબ અપાયો હતો કે આડેધડ એકમો બંધ કરવાથી લાંબાગાળા સુધી ચાલે તેવી અસર કે પરિવર્તન નહીં આવે. તેના માટે તબક્કાબાર પગલાંની જરુર છે.
જેથી કોર્ટે ટકોર કરી હતી કે તંત્ર બધી કાર્યવાહી તબક્કાવાર કરે ત્યાં સુધી પર્યાવરણને જે નુકસાન થશે તેનું શું? મેગા પાઇપલાઇનમાં કેટલાંક એકમો ગેરકાયદે પાઇપલાઇન જોડી પ્રદૂષકો છોડતાં હોવા મુદ્દે કોર્ટે સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને વેધક પ્રશ્ન કર્યો હતો. આવી રીતે પ્રદૂષકો છોડનારાંઓ સામે કાર્યવાહી કરતા તંત્રને કોણ રોકી રહ્યું છે? તંત્રની વૈધાનિક જવાબદારી અને સામાન્ય નાગરિકો પ્રત્યેની જવાબદારી છે કે તેઓ આ પ્રદૂષણ રોકવા કાર્યવાહી કરે. જો તંત્ર નક્કર કાર્યવાહી નહીં કરે તો પછી કોર્ટને કોઇ કડક આદેશો આપવાની ફરજ પડશે, જે કદાચ કોઇને નહીં ગમે
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ નીમેલી જોઇન્ટ ટાસ્ક ફોર્સના રોહિત પ્રજાપતિએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કર્યા વગર જે-તે સ્થળ પર સરપ્રાઇઝ ચેકિંગ માટે વહેલી સવારના સમયે જાય છે. જેથી વાસ્તવિક પરિસ્થિતિનું આકલન મળી શકે. આમ છતાં ઘણાં સ્થળો પર દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ જોવા મળે છે. કોર્ટ એવી આશા નથી રાખી રહી કે સાબરમતીનું પાણી મિનરલ વોટર જેટલું શુદ્ધ હોય પરંતુ જેટલી નુકસાની થાય છે તેને રોકવામાં આવે. ઉત્તરાખંડમાં આવેલા પૂરનું ઉદાહરણ આપી કોર્ટે કહ્યું હતું કે કુદરત આપણને માફ કરવાની પરિસ્થિતિમાંનથી, તેથી જેટલું બને તેટલું પ્રદૂષણ રોકવાનો પ્રયત્ન કરવામાં આવે.