ગુજરાત રાજ્યમાં કોરોનાકાળ અને કાળઝાળ મોંઘવારીના દિવસોમાં આ વખતે હવે ફટાકડાની ખરીદી કરવી નહીં પોસાય. કારણ ફટાકડાની તંગી વચ્ચે વેપારીઓએ ભાવ વધારો કર્યો છે. પેટ્રોલ ડીઝલ સહિતની વસ્તુઓમાં ભાવ વધારો થતા ફટાકડાના ભાવમાં 20થી 25 ટકાનો મોટો ભાવ વધારો થયો છે. આ ઉપરાંત કાચામાલની તંગીને કારણે ઉત્પાદન ઘટી જવાથી ફટાકડાની માર્કેટને સીધી અને મોટી અસર થઈ છે. ફટાકડાની માર્કેટમાં ફટાકડાનો નવો સ્ટોક આવકમાં હોવા છતાં ખરીદી મંદ જોવા મળી રહી છે.
અમારા ફેસબુક પેજને લાઈક કરવા માટે અહીં ક્લિક કરો
ફટાકડા બનાવવાના પાઉડર સહિતનો કાચો માલ મોંઘો થયો છે. બીજી તરફ ડીઝલનો ભાવ વધારો દરેક વર્ગને નડી રહ્યો છે. રાજકોટ શહેરના ફટાકડાના વેપારીઓએ કહ્યું કે, દેશભરમાં તામિલનાડુંના શિવાકાશીથી ફટાકડાની સપ્લાય થાય છે. આ વખતે ત્યાં ગુજરાત કરતા પણ લાંબુ લોકડાઉન રહ્યું હતું. આ ઉપરાંત વરસાદ પણ વધારે થયો હોવાને કારણે ઉત્પાદન ચોથાભાગનું થયું છે. જોઈએ એટલો માલ આવતો નથી. જેના કારણે ભાવમાં સીધો વધારો થયો છે. માર્કેટમાં આ વખતે અવનવી વેરાઈટીના ફટાકડા આવ્યા છે. પણ બે વર્ષ પહેલા જેવી ખરીદી હતી એવી કોઈ ખરીદી અહીં નથી. બાળકો માટે થતી છૂટક ખરીદી પણ ઘટી ગઈ છે. હવે ફટાકડા લોકો નંગદીઠ નહીં પણ ચોક્કસ રકમના જ ખરીદે છે. જેના કારણે વેપારીઓનો નફો ઘટી રહ્યો છે. રાજકોટમાં હવે કોઈ ચાઈનીઝ ફટાકડા મંગાવતા જ નથી. ડમ્પ થયેલા માલનું વેચાણ પણ બંધ થઈ ગયું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો આંગળીના વેઢે ગણી શકાય એટલા પૈસાદાર લોકો આતશબાજી થાય એવા ફટાકડા ખરીદે છે. ચક્રી, ટેટા, ફૂલઝર, ઝાર, નાના રોકેટથી લોકો દિવાળી મનાવી રહ્યા છે. સુતળી બોંબ જેવા ફટાકડાના તીવ્ર અવાજનું પ્રમાણ ઘટી રહ્યું છે. મોંઘવારીના વિષચક્રને લઈને દિવાળીની ઉજવણી ફિક્કી થઈ છે. છૂટ મળવા છતાં પણ ફટાકડા ફોડતા નથી.