શાહરૂખ ખાનના પુત્ર આર્યન માટે મુશ્કેલ સમય હજું પણ યથાવત રહેશે. મુંબઈની સેશન્સ કોર્ટે આર્યનના જામીન ફગાવી દીધા છે. આર્યન ખાનને તા.7 ઓક્ટોબરના રોજ 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં રહેવા માટે આદેશ કરાયો હતો. તા. 8 ઓક્ટોબરથી આર્યન આર્થર રોડ જેલમાં બંધ છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મજબૂતાઈથી આર્યનની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. જ્યારે આર્યનના વકીલોએ દલીલ એવી કરી હતી કે તેની પાસેથી કોઈ પ્રતિબંધિત પદાર્થ નથી મળી આવ્યો. તે પુરાવા સાથે છેડાછાડ નહીં કરે. સ્પેશિયલ NDPSકોર્ટે જામીન નામંજૂર કર્યા છે.
આર્યન ખાનની સાથે આ કેસમાં રહેલી મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટના જામીન પણ નામંજૂર થયા છે. એટલે એ બંને પણ કારાવાસમાં રહેશે. હવે આર્યનના વકીલ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. જોકે, હજી ઓર્ડર કોપીની રાહ જોવાઈ રહી છે. વકીલો આગળ તૈયારી નહીં કરી શકે કારણ કે, ઓર્ડર કોપી મળી નથી. સેશન્સ કોર્ટની બહાર વકીલોએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, હજી ઓર્ડરની કોપી ન આવી હોવાથી તેમને પણ નથી. ખબર નથી કે કયા કારણોસર જામીન રદ્દ કરવામાં આવ્યા છે. જોકે, એવું માનવામાં આવી રહ્યું છે કે, ‘ષડયંત્ર’નો આરોપ આ પાછળ જવાબદાર હોઈ શકે છે. જજે માત્ર એટલું જ કહ્યું કે, ત્રણેય જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવે છે.
આર્યન ખાનના વકીલો એટલે કે સતીશ માનેશિંદે અને અમિત દેસાઈ માટે આગળનો માર્ગ સરળ નથી. ઓર્ડરની કોપી મળ્યા બાદ હાઈકોર્ટમાં જામીન અરજી કરવા માટે તેમણે તૈયારી શરૂ કરવી પડશે. હાઈકોર્ટમાં કેસ પર નવેસરથી દલીલો થશે સાથે જ સેશન્સ કોર્ટના ઓર્ડરની કોપીને જોઈને એ મુદ્દાઓ પર પણ ધ્યાન આપવું પડશે જેના કારણે કોર્ટે જામીન નામંજૂર કર્યા છે.