કોરોના મહામારીના કારણે હજુ ગુજરાત રાજ્યની શાળામાં પ્રાથમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ નથી. પણ ભાવનગરમાંથી નિયમ લાગુ ન પડતા હોય એવું ચિત્ર સામે આવ્યું છે. જાણે કોઈની મંજૂરીની જરૂર ન હોય એવા દ્રશ્યો સામે આવતા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહ જેટલા સમયથી ભાવનગરની સરકારી સ્કૂલમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને બોલાવીને અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જેના કેટલાક ફોટા સામે આવ્યા છે.
આખરે કોને પૂછીને બાળકોને શાળાએ બોલાવ્યા તે એક મોટો સવાલ છે. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં સરકારી શાળામાં ધોરણ 1થી 5નો અભ્યાસ શરૂ કરતા હોબાળો મચ્યો છે. હજી સરકારે પ્રાથમિક શિક્ષણ શરૂ કરવાના કોઈ આદેશ આપ્યા નથી. રાજ્યની મોટાભાગની પ્રાથમિક શાળાઓ ઓનલાઈન માધ્યમથી ચાલી રહી છે. હાલ શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણ શરુ કરવા મંજૂરી આપી નથી. ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારની શાળા નંબર 62માં ધોરણ 1થી 5નું અભ્યાસ કાર્ય શરુ કરાયા હોવાનું સામે આવ્યું છે.
ખુદ સરકારી શાળામાં જ શૈક્ષણિક કાર્ય શરુ કરાતા જ આ નાના બાળકોને કોની મંજૂરીથી બોલાવવામાં આવ્યા તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ શાળામાં નાના બાળકોએ માસ્ક નથી પહેર્યા કે સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જળવાઇ રહ્યું. હજુ સુધી બાળકોનું વેક્સીનેશન શરૂ થયું નથી. કોરોના સામેના રક્ષણની રસી પણ આપવામાં નથી આવી. કોરોના ગુજરાતમાંથી હાલ સંપૂર્ણ રીતે નાબૂદ થઇ ગયો હોય એવું થયું નથી. આ નાના બાળકો શાળાએ આવી તો ગયા છે. પરંતુ આ બાળકો બીમાર થશે કે કોઇને કોરોના સંક્રમણ થશે તો આ અંગે જવાબદાર કોણ રહેશે એ સવાલ ચર્ચામાં છે.