સોશિયલ મીડિયામાં નગ્ન હાલતમાં વીડિયોકોલ કરી તેના સ્ક્રીન શોટ લીધા બાદ બ્લેક મેઇલિંગ કરી નાણાં પડાવતી ટોળકી સૌરાષ્ટ્રમાં સક્રિય થઈ છે . ખાસ કરીને રાજકોટમાં આવા કેસ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક યુવકને ચુંગાલમાં ફસાવી નાણાં પડાવ્યાની ઘટના સામે આવી છે. રાજકોટની એ.જી.સોસાયટીમાં રહેતા અને પારડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ.પી.ડબ્લ્યુ.માં નોકરી કરતા મનીષ જીવરાજભાઇ ઉનાગર નામના યુવાને સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ મોબાઇલના માધ્યમથી તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતો હોય ગત તા. 2-5ના રોજ ફેસબુક પર રિયા શર્મા નામની યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવી હતી. જે રીક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ મેસેન્જરમાં વાતચીત થઇ હતી. બાદમાં તે જ રાતે મોડેથી વીડિયોકોલ આવ્યો હતો. પરંતુ તે રિસીવ કર્યો ન હતો. બાદમાં બીજા દિવસે બપોરે ઘરે હતો ત્યારે વોટ્સએપ પર મેસેજ આવ્યો કે હું રિયા શર્મા, મારો વીડિયોકોલ એક્સેપ્ટ કરવા જણાવ્યું હતું. જેથી મેં વીડિયોકોલ રિસીવ કરતા એક મહિલા નગ્ન અવસ્થામાં નજરે પડી હતી. અને તે મહિલાએ તમે પણ તમારા કપડાં ઉતારો તેવું કહ્યું હતું, પરંતુ આવા વીડિયોકોલથી પોતાને શંકા જતા વીડિયોકોલ કટ કરી નાંખ્યો હતો. થોડી વાર બાદ રિયા શર્માએ મેસેજ કરી મેં તમારો ઉતારેલો વીડિયો હું તમારા ગ્રૂપમાં વહેતો કરવાની વાત કરી હતી. જેથી આવું કરવાનું કારણ પૂછતા તેને રૂ.31 હજારની માગણી કરી ગૂગલ પેના નંબર મોકલ્યા હતા. ત્યારે આબરૂ જવાની બીકે ત્રણ કટકે મેં કુલ 31 હજાર રૂપિયા મેં આપેલા નંબર પર જમા કરાવ્યા હતા.

રૂપિયા ચૂકવી દીધા બાદ ફરી જો રૂપિયા નહિ આપો તો તમારો વીડિયો યૂ ટ્યૂબ પર વહેતો કરી દેવાની ધમકી આપી હતી. બ્લેકમેઇલિંગ કરી અવારનવાર નાણાં પડાવવાના ત્રાસથી કંટાળી અંતે તા.7-5ના રોજ સાયબર સેલમાં અરજી કરી હતી. અરજી બાદ સાયબર સેલની તપાસમાં યુવાન સાથે છેતરપિંડી કરનાર ટોળકીના મહમદ મુજાહીદ મહમદ ખુર્શીદ, મહમદ ઇકબાલ હરજુદીન અને આસીફ ઇશ્શા નામના શખ્સો કર્ણાટકમાં આ જ ઢબે છેતરપિંડી કરવાના ગુનામાં બેંગ્લુરુ સાયબર ક્રાઇમના સકંજામાં હોવાની માહિતી મળી હતી. જેથી રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે અને કર્ણાટક પોલીસની તપાસ બાદ રાજકોટ પોલીસ આરોપીઓનો કબજો મેળવશે.