સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ખાતે નવરાત્રીના પર્વે ગરબી મંડળની બાળાઓ ગરબા રમી રહી હતી ત્યાં ખૂની ખેલ ખેલાતા નાસભાગ મચી ગઇ. સામન્ય બોલાચાલી થતા ભારે રકઝક થયા પછી ઝઘડાએ મોટું રૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ છરીના ઘા ઝીંકી એક યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. થોડી મિનિટો પહેલા જ્યાં માતાજીના ગરબા ગવાઈ રહ્યા હતા ત્યાં હાલ સોંપો પડી ગયો છે. ગરબાના સ્થાને પોલીસ સુરક્ષા હેતુ પહોંચી છે.
મૃતકનું નામ વિજય લોરીયા છે અને તેની ઉંમર 22 વર્ષ હોવાનું જાણવા મળે છે. પ્રેમ પ્રકરણને લઈ જૂની અદાવત હોવાથી તેનો ખાર રાખી હત્યા કરાઈ હોવાનું જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પ્રેમ પ્રકરણને લઈ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. આ કારણે જ હત્યા થયાનું પ્રાથમિક તારણ છે. જોકે હવે કોઈ અઈચ્છનિય ઘટના ન બને તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે.