દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે સોમવારે રાતે મોહમ્મદ અશરફ ઉર્ફ અલી નામના એક પાકિસ્તાની શખ્સની દિલ્હીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. મોહમ્મદ અશરફ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવલ જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે .
આ આતંકી રાજધાનીને હચમચાવવાના ફિરાકમાં હતો. આતંકીની પાસેથી સ્પેશ્યલ સેલે એકે-47 અને હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત કર્યા છે. આ આતંકીને પાકિસ્તાની ખાનગી એજન્સી ISIએ ભારત પર હુમલા માટે તૈયાર કર્યા હતા. આતંકીની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મોહમ્મદ અશરફ ભારતીય નાગરિક બનીને રહેતો હતો. જે માટે તેણે મોહમ્મદ નૂરી નામથી પોતાનુ નકલી નામ પણ રાખી લીધુ હતુ અને નકલી આઈડી કાર્ડ પણ બનાવ્યુ હતુ. તેઓ દિલ્હીના શાસ્ત્રી નગરમાં આરામ પાર્ક વિસ્તારમાં એક ઘરમાં રહી રહ્યો હતો. ભારતીય આઈડી કાર્ડ બનાવવા માટે તેણે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો.
સૂત્રો અનુસાર આ આતંકી દિલ્હીમાં મોટા આતંકી હુમલાને અંજામ આપવા માટે આવ્યો હતો. આને આઈએસઆઈએ હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી હતી. જે બાદ નેપાળના માર્ગે ભારતમાં દાખલ કરાયો હતો.
સ્પેશ્યલ સેલે તેની પાસેથી હેન્ડબેગ,બે મોબાઈલ ફોન જપ્ત કર્યા. કાલિંદી કુંજના યમુના ઘાટ નજીકથી એક એકસ્ટ્રા મેગઝીન સાથે એકે -47, હેન્ડ ગ્રેનેડ, 50 રાઉન્ડની બે પિસ્તોલ પણ મળી આવી છે. દિલ્હીના તુર્કમેન વિસ્તારમાં તેમના ઠેકાણાથી ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કરવામાં આવ્યા છે.