ભારતની ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા ટીમ ઈન્ડિયાની ટી-20 ફોર્મેટમાંથી સુકાની છોડવાની જાહેરાત કરી છે. વિરાટ કોહલી બાદ રોહિત શર્માનું ટી-20 ટીમમાં કેપ્ટન બનવાનું નક્કી છે. ટી-20 વર્લ્ડ કપ 2021 બાદ કોહલી આ ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડીને માત્ર પોતાની બેટીંગ ઉપર ધ્યાન કેન્દ્રીત કરશે. દરેક કેપ્ટન આવતાની સાથે જ ટીમમાં મોટા ફેરફારો થાય છે. ટીમ ઈન્ડિયામાં એવા ત્રણ ખેલાડીઓ છે જે રોહિત શર્માના ટી-20માં કેપ્ટન બનતાની સાથે ટીમ ઈન્ડિયામાં પોતાની કાયમી જગ્યા બનાવી શકે છે.
રોહિત શર્મા જો ટી-20માં સુકાની સંભાળશે તો સૌથી પહેલા ઈશાન કિશનનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ થશે. ઈશાન કિશન સારા વિકેટકિપરની સાથે આક્રમક બેટ્સમેન પણ છે. આ વર્ષે ટી-20 વર્લ્ડ કપ માટે તેની પસંદગી કરવામાં આવી છે. ઈશાન કિશન આઈપીએલમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. તેવામાં ઋષભ પંતની જગ્યા ઉપર જોખમ આવી શકે છે.
આ ઉપરાંત યુવા લેગ સ્પિનર રાહુલ ચાહરને પણ ટીમમાં કાયમી જગ્યા મળી શકે છે. 21 વર્ષિય લેગ સ્પિનર રાહુલ ચાહરને પહેલી વખત ટી-20 વર્લ્ડ કપ રમવાની તક મળી છે. છેલ્લા ઘણા સમયથી તે સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. તાજેતરમાં જ શ્રીલંકાની સામે રમાયેલી ટી-20 સીરીઝમાં રાહુલ ચાહરે પોતાની બોલીંગથી તમામને પ્રભાવિત કર્યાં છે.
આ યાદીમાં કૃણાલ પાંડ્યાનો પણ સમાવેશ કરાયો છે. કૃણાલ પાંડ્યા સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યાનો ભાઈ છે. કૃણાલ પાંડ્યા રોહિત શર્માની સાથે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. કૃણાલ પાંડ્યા આક્રમક બેટ્સમેનની સાથે સારો બોલર પણ છે. રોહિત શર્મા ટી-20 ટીમનું સુકાન સંભાળશે તો ઓલરાઉન્ડર હાર્દિક પાંડ્યા માટેનો દરવાજો ખુલ્લી જશે.