ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં બુધવારે મોટો ભાવ વધારો થયો છે. જેના કારણે તહેવાર પહેલા ગૃહિણીઓનું બજેટ ખોરવાય એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં સીધા રૂ.15નો ભાવ વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં LPG ગેસ સિલિન્ડરની કિંમત હવે રૂ.899.50 પ્રતિ સિલિન્ડર થઈ છે. પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવના માહોલ વચ્ચે ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના વધેલા ભાવે સામાન્ય માણસની કમર તોડી નાંખી છે.
મધ્યમ અને નોકરિયાત વર્ગ પર વધુ એક માર પડ્યો છે. જેની સીધી અસર એમના માસિક આર્થિક બજેટ પર થવાની છે. આ વર્ષે ગેસ સિલિન્ડરના ભાવમાં સરેરાશ રૂ.205 વધ્યા છે. તેલ તથા ગેસ એજન્સીએ રાંધણ ગેસમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ.15નો મોટો વધારો કર્યો છે. જેના કારણે નવી કિંમત રૂ.899.50 સામે આવી છે. જ્યારે પાંચ કિલો ગેસ સિલિન્ડરના ભાવ રૂ.502 સુધી પહોંચ ગયા છે. LPGની તમામ કેટેગરીમાં ભાવ વધારો થયો છે. આ વર્ષે સિલિન્ડરની કિંમતમાં થયેલા ભાવ વધારાને કારણે ફૂડ આઈટ્મ અને પેકેટ્સ ફૂડના ભાવમાં પણ વધારો થાય એવા એંઘાણ દેખાઈ રહ્યા છે. 14.2 કિલો સિલિન્ડરની કિંમત બે મહિનામાં સતત ચોથી વખત વધી છે. સબસીડી સિલિન્ડરની કિંમત અને સબસીડી વગરના સિલિન્ડરની કિંમત હવે રૂ.899.50 રહેશે. આ પહેલા તા.1 ઑક્ટોબરના રોજ સિલિન્ડરના ભાવમાં રૂ. 25નો સીધો વધારો કરાયો હતો. દર વર્ષે સરકાર તમામ ગેસ ક્નેક્શન ધારકોને 12 સિલિન્ડર સબસીડીના ભાવથી ઓછી કિંમત પ્રાપ્ય કરાવે છે.
આ સિવાયના સિલિન્ડર પર માર્કેટ પ્રાઈસ અનુસાર ચૂકવણી કરવી પડે છે. બુધવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવખત મોટો ભાવ વધારો થયો હતો. જુદા જુદા શહેરમાં પેટ્રોલના ભાવમાં 26થી 30 પૈસા વધ્યા હતા. જ્યારે ડીઝલની કિંમતમાં 34થી37 પૈસા વધ્યા હતા. સતત વધી રહેલી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. તહેવાર પહેલા થયેલા ભાવ વધારાને કારણે પરિવારના તહેવાર મનાવવાના મુડ ઉપર પણ માઠી અસર થઈ છે. દેશના અનેક એવા શહેરમાં પેટ્રોલના ભાવ રૂ.100ને પાર થઈ ગયા છે. મધ્ય પ્રદેશના સિવનીમાં અને રાજસ્થાન રાજ્યના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમતમાં દેશમાં સૌથી વધારે છે. ડીઝલ પણ અનેક શહેરમાં રૂ.98 સુધી પહોંચી ગયું છે. પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય સરકારનો વેટ લાગુ પડે છે. આ સિવાય કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી તેમજ સેસ લાગુ કરે છે. સરકાર એવું કહે છે કે, ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થવાને કારણે આવું થઈ રહ્યું છે.