સૌરાષ્ટ્રમાં સતત અને સખત રીતે વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોને આર્થિક રીતે ફટકો માર્યો છે. પાકનું ધોવાણ કર્યું છે. જેના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે. આમ તે અસર સમગ્ર સૌરાષ્ટ્રને થઈ છે. જેના કારણે ખેડૂતો માથે હાથ દઈને વિલાપ કરી રહ્યા છે. પણ જો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોની વાત કરવામાં આવે તો ચિત્ર આંખ ભીની થાય એવું સામે આવ્યું છે.
ખેડૂતોએ ડુંગળીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ અતિ વરસાદે ડુંગળીના સંપૂર્ણ પાકનો સર્વનાશ કરી નાંખ્યો. ખેડૂતોને નુકસાનીનો ભાર સહન કરવાનો વારો આવ્યો છે આ સાથે આર્થિક ખોટ પણ ગઈ છે. અત્યારે તો સૌરાષ્ટ્રના તમામ ગામના ખેડૂતોના વાવેલા પાકનું ધોવાણ થઇ ગયું છે. મોટું નુકસાન સહન કરવાનો વારો આ વખતે ખેડૂતોનો આવ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામના ખેડૂતોને તો વાવેલા તમામ જાતના પાક અંતે ફેંકી દેવા પડ્યા છે. ખાસ ડુંગળીનું વાવેતર કર્યું છે. તેઓની હાલત તો સૌથી ખરાબ છે.
સતત વરસાદને લઈને જમીનની અંદર ઉગી રહેલી ડુંગળીની સ્થિતિ ખુબ જ ખરાબ છે. સતત પાણીમાં રહેવાને કારણે ડુંગળીનો પાક ભેજવાળો થઈ ગયો છે. જેના કારણે તેને સીધી વેંચી શકાય એમ નથી. જમીનની અંદર થતી ડુંગળીનો વિકાસ એકાએક બંધ થયો છે. વિકાસ થવાની જગ્યાએ વિકાસ રૂંધાવા લાગ્યો છે. ડુંગળી જમીનની અંદર સડી રહી છે. આ ડુંગળીનો પાક નિષ્ફ્ળ ગયો છે. ધોરાજીના ખેડૂત એવા અને જેણે પોતાના ખેતરને બહારના ખેત મજુરને ભાગમાં ડુંગળીનું વાવેતર કર્યું છે. તેઓની હાલત તો ખુબ જ ખરાબ છે. તેઓ માટે તો ડુંગળીના નિષ્ફ્ળ પાકને લઈને પાયમાલ જેવી હાલત થઇ ગઈ છે. એક તરફ મોંઘા બિયારણ, ખાતરનો ખર્ચ અને માથે વરસાદને લઈને પાક નિષ્ફ્ળ જતા ખેડૂતો અને ખેત મજૂરો માટે તો પાયમાલી જ હાથ લાગી છે. આ મામલે સરકાર એક ખેતી ક્ષેત્રે પણ સર્વે કરીને મદદ કરે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે.